વલસાડ જિલ્લામાં સતત 15 દિવસથી વરસાદી હેલી બાદ 2 અઠવાડીયે સૂરજદેવના થયા દર્શન
જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં પહોંચ્યા, ડાંગર કઠોળ અને શાકભાજી વાવતા ખેડૂતોને ભારે નુકસાન
વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાતા પાક કોહવાયો, ખેડૂતો સરકાર પાસે માંગી રહ્યા છે મદદ
વલસાડ જિલ્લામાં સતત 15 દિવસ વરસાદ વરસ્યા બાદ આજે સૂરજ દેખાયો છે, ત્યારે જિલ્લાના ખેતરોમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ડાંગર, કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે. આ તરફ હવે ખેડૂતોએ સરકાર પાસે સહાય માગી છે. નોંધનીય છે કે, છેલ્લા 2-3 દિવસ મેઘરાજાએ વલસાડને ઘમરોળ્યા બાદ ભારે તારાજી સર્જાઇ હતી.
વલસાડ જિલ્લામાં 15 દિવસ બાદ આખરે વરસાદે વિરામ લીધો છે. આ તરફ ભારે વરસાદને કારણે વિસ્તારમાં તારાજી સર્જાઇ છે. જનજીવન અસ્તવ્યસ્ત બનવાની સાથે ડાંગર, કઠોળ અને શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આ સાથે ખેતરમાં પાણી ભરાતા પાકને પણ નુકસાન પહોંચ્યું હોઇ હવે ખેડૂતોએ સરકાર પાસે સહાયણી માંગ કરી છે.
રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે.
12 જુલાઇના દિવસે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો હતો.જેના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તેમજ વલસાડની ઔરંગા નદીના પાણી પણ ભયજનક સપાટીએ આવતા દમણગંગા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવાયા હતા. જોકે બીજી બાજુ વલસાડની ઔરંગા નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઈ હતી. જેનું ગૌરક્ષકોએ જીવના જોખમે રેસ્કયુ કર્યું હતું.