ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો
હાલ નર્મદા ડેમની જળસપાટી 119.10 મીટરે પહોંચી
ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ભારે વરસાદને પગલે ડેમો, નદી તથા તળાવોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમા નર્મદાડેમની જળસપાટીમાં વધારો થવા પામ્યો છે.
ગુજરાતની જનતાની તરસ છીપાવનાર સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. આ વખતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા નર્મદા ડેમની જળ સપાટી એક જ દિવસમાં 50 સેન્ટિમીટર વધી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.10 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થવા પામી છે. ડેમમાં 48 હજાર 864 ક્યુસેક પાણીની આવક થતા કેનાલ હેડ પાવરહાઉસનું એક યુનિટ કાર્યરત કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે ડેમમાં 1 હજાર 89 મિલીયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે.
મહત્વનું છે કે 8 જુલાઇના રોજ નર્મજા ડેમની જળસપાટી 114.38 મીટરે પહોંચી હતી. જેને લઇને CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા હતા. ડેમમાં 8 હજાર 558 કયુસેક પાણીની આવક જ્યારે ટોટલ આઉટફ્લો 8 હજાર 409 ક્યુસેક નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં સતત મેઘ મહેર જોવા મળી રહી છે. મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના નદી અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે… સૌરાષ્ટ્રના નાના મોટા 141 ડેમોમાં 7.2 MCFT પાણીનો વધારો થયો છે. જામકંડોરણના દૂધીવદર પાસે ફોફળ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે… ભાદર-1, ભાદર-2 અને છાપરવાડી સહિતના ડેમોમાં પાણીની આવક થઇ. ભાદર-2 ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. . સૌરાષ્ટ્રના નાના ચેકડોમો ઓવરફ્લો થયા છે.સૌરાષ્ટ્રમાં હાલ 11 તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.