આઝાદીના 75મી વર્ષગાંઠ પર કોવિડના પ્રિકૉશન ડોઝને બૂસ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે
ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે
1 જૂને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિન અભિયાન શરૂ કરાયું હતું
દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. બુધવારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી બૂસ્ટર કે પ્રિકૉશન ડોઝ મળશે. જો કે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી.
આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત સપ્તાહે વેક્સિનનો બીજો અને જરૂરી ડોઝ વચ્ચેના અંતરને 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દીધો હતો. વેક્સિનેશન ઝડપ લાવવા અને બૂસ્ટર શોટ્સને પ્રોત્સાહન આપવા માટે 1 જૂને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિન અભિયાન શરૂ કરાયું હતું. બે મહિનાનો આ કાર્યક્રમ હજુ ચાલી રહ્યો છે.
ICMR સહિત અનેક ઈન્ટરનેશનલ સંસ્થાઓના અભ્યાસમાં ખ્યાલ આવ્યો છે કે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાને 6 મહિના બાદ શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઘટી જાય છે. બૂસ્ટર ડોઝ આપવાથી ઈમ્યૂન રિસ્પોન્સ વધશે. આ કારણે જ સરકાર 75 દિવસ માટે વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.
સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઝાદીના 75મી વર્ષગાંઠ પર આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કોવિડના પ્રિકૉશન ડોઝને બૂસ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે. અત્યાર સુધીમાં 18-59 વર્ષમાં આવતા 77 કરોડના ટાર્ગેટ પોપ્યુલેશનમાંથી 1%થી પણ ઓછા લોકોને પ્રિકૉશન ડોઝ લાગ્યો છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ વસ્તીની સાથે હેલ્થ કેર અને ફ્રંટલાઈન વર્કર્સમાંથી પણ લગભગ 26%ને જ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં મંગળવારે કોરોનાનાના નવા કેસ 16,107 નોંધાયા છે. જે ગત દિવસોની તુલનામાં 5,392 વધુ છે. આ દરમિયાન મોતની સંખ્યામાં પણ 17થી વધીને 45 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 1,31,589 છે. સોમવારે આ આંકડો 1,30,456 હતો. સ્વસ્થ થનારાઓની સંખ્યા 15,070 નોંધાઈ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ ટેડ્રોસ અઘનોમ ઘેબ્રેયસસે ચેતવણી આપતા કહ્યું છે કે કોવિડ-19 મહામારી હજુ ખતમ નથી થઈ. તેમને કહ્યું કે વિશ્વભરમાં કોરનાના સતત નવા કેસ સામે આવી રહ્યાં છે. તેનાથી સ્પષ્ટ છે કે વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. ટેડ્રોસે વધુમાં કહ્યું હતું કે કોરોનાના નવા વેરિઅન્ટ હજુ આવશે તેવી શક્યતા છે.