ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે ઓવલ ખાતે રમાઈ હતી. ભારતીય ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના શોટથી નાની બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં રોહિતે ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાળકીની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. એ જ સમયે મેચ 5 મિનિટ માટે અટકાવી દેવામાં આવી હતી. ઈજા પછી ઈંગ્લેન્ડે તરત જ તેની મેડિકલ ટીમને છોકરીની સારવાર અર્થે મોકલી આપી.
રોહિત શર્મા ભારતીય ઇનિંગ્સની 5મી ઓવરમાં સ્ટ્રાઇક પર હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલી બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા અને બીજા બોલ પર કોઈ રન નોંધાયો નહોતો. એ જ સમયે ત્રીજો બોલ શોટ પિચ હતો, જેના પર રોહિતે સ્ક્વેર લેગ બાઉન્ડરી તરફ શાનદાર સિક્સ ફટકારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન બોલ સ્ટેન્ડમાં બેઠેલી નાની છોકરીને વાગી જતા જોવાજેવી થઈ હતી. જોકે સદનસીબે છોકરીને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી.
એ જ સમયે રોહિત છોકરીને થયેલી ઈજાને કારણે ઉદાસ દેખાઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે માનવતા દાખવતાં તરત જ એક મેડિકલ ટીમને સ્ટેન્ડમાં છોકરીની સારવાર માટે મોકલી આપી હતી. બાળકના સ્વસ્થ થવાના સમાચાર પછી રમત ફરીથી શરૂ થઈ હતી.
મેચમાં રોહિત શર્માએ સૌથી વધુ 58 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 131 હતો. હિટમેનની વન-ડે કારકિર્દીમાં આ 45મી ફિફ્ટી છે. 111 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયાએ એકપણ વિકેટ ગુમાવી ન હતી.