રાજ્યમાં વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય
28 હજારનું સ્થળાંતર; 105 ગામમાં અંધારપટ
15 સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું છે. જો કે, રાજ્યનું વહીવટી તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સજ્જ છે. ત્યારે અત્યાર સુધી 28 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. તો 15 સ્ટેટ હાઈવ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને 105 ગામોમાં અંધારપટ છવાયો છે.
મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યના આઠ જિલ્લાઓ પૈકી ત્રણ જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે. જ્યારે હજુ પણ પાંચ જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.
મંત્રીએ કહ્યું, કે રાજ્યમાં અત્યાર સુધીમાં 69 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી. રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. સરકારના આદેશો અને અપીલને નાગરિકો માન આપી તે મુજબ સહયોગ આપી રહ્યા છે, તે અભિનંદનને પાત્ર છે. હજુ પણ આવો સહયોગ નાગરિકો તરફથી મળતો રહે તેવી અપેક્ષા છે.
રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 એનડીઆરએફની ટીમ અને 18 એસડીઆરએફની પ્લાટુન ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા નર્મદા જિલ્લામાં કરાયેલું સફળ રેસ્ક્યૂ ઓપરેશન અભિનંદનને પાત્ર છે. ગઈકાલે નર્મદા જિલ્લાના કરજણ નદીના પટ પર રાજપીપળા સ્મશાન ઘાટ નજીક એક સાથે 21 વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાયા હતા અને રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની માંગણી કરાઈ હતી. જો કે વહીવટી તંત્રએ સમય સૂચકતા દાખવીને એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમોની મદદ લઈને ફસાયેલા તમામ લોકોને શૌર્ય અને વીરતા દાખવીને બચાવી લેવાયા છે. આ માટે સમગ્ર ટીમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 27,896 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી 18,225 નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે. જ્યારે 9,671 નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે 15 સ્ટેટ હાઈવે, 12 પંચાયત કે અન્ય માર્ગો તેમજ 439 માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે કચ્છમાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ કરાયો છે, તે આજ સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે.