15 હજાર રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈસની પ્લેટ
19 લાખ રૂપિયાનો આઈસ્ક્રીમ
સોનાની પરતનો છંટકાવ કરવામાં આવતો હોવાથી મોંઘી બની આ ફ્રેન્ચ ફ્રાઈસ
ફાસ્ટફૂડનાં રાજા કહેવાતાં ‘ફ્રેન્ચ ફ્રાઈસ’નું નામ જીભ પર આવતાં જ દરેકનાં મોઢામાં પાણી આવવા લાગે છે. બટાકામાંથી બનતી આ સામાન્ય વાનગીને અમેરિકાની એક રેસ્ટોરન્ટે આખી દુનિયા માટે ખાસ બનાવી દીધી છે. ન્યૂયોર્ક સ્થિત રેસ્ટોરાંમાં ‘Creme de la Creme Pomme Frites’ નામની રેસ્ટોરાંમાં વેચાતી ફ્રેન્ચ ફ્રાઈસ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ છે. અહીં ફ્રેન્ચ ફ્રાઈસની એક પ્લેટની કિંમત 200 ડોલર એટલે કે લગભગ 15 હજાર રૂપિયા છે. તેની કિંમતને કારણે આ ફ્રેન્ચ ફ્રાઈસે વર્ષ 2021માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. હાલમાં જ દુનિયાની આ સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના રિપોર્ટ મુજબ ન્યૂયોર્કની સેરેનડિપ્ટી3 રેસ્ટોરાંમાં કામ કરતાં શેફ જો અને શેફ ફ્રેડરિકે દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે. તેને બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળાં બટાકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિન્ટેજ 2006ની શેમ્પેઇન, જે લી બ્લેક ફ્રેન્ચ શેમ્પેઈન વિનેગર, ટ્રફલ સોલ્ટ, ટ્રફલ ઓઈલ, વિશેષ પ્રકારનું ચીઝ, બટર તેમજ 23 કેરેટના એડિબલ ગોલ્ડની પરત ઉમેરવામાં આવે છે. આ સિવાય તેમાં ઓર્ગેનિક જર્સી ગાયોમાંથી મેળવવામાં આવતાં ગ્રાસ આધારિત ક્રીમનાો ઉપયોગ કરવામાં આવે છે. આવી ખાસ અને મોંઘી સામગ્રીનો ઉપયોગ કરીને આ ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર કરવામાં આવે છે. આ ફ્રેન્ચ ફ્રાઈસને ખાસ મોર્ન સોસ સાથે પીરસવામાં આવે છે.
ન્યૂયોર્કની આ ફેમસ રેસ્ટોરન્ટે અગાઉ પણ એવી ઘણી વાનગીઓ તૈયાર કરી છે, જેણે નવાં રેકોર્ડ બનાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. સેરેન્ડિપ્ટી3 રેસ્ટોરન્ટે ‘Frrrozen Haute Chocolate ice cream sundae’ નામની આઇસક્રીમ ડેઝર્ટ ડિઝાઇન કરી હતી. જેની કિંમત તેણે 25,000 ડોલર એટલે કે લગભગ 19.8 લાખ રૂપિયા રાખી હતી.