રાજકોટમાં જિલ્લા ગાર્ડન પાસે દિવાલ ધરાશાયી
ઘાંચીવાડમાં દિવાલ ધરાશાયી થતા ગાડીઓને નુકસાન
દિવાલ ધરાશાયી થતા 4 ઘાયલ બાળકોને હોસ્પિટલ ખસેડાયા
રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચારે બાજુ અવિરત મેઘમહેરના કારણે શહેરના જિલ્લા ગાર્ડન પાસેની દિવાલ ધરાશાયી થઇ છે. ઘાંચીવાડ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા 4 બાળકો દટાઇ ગયા હતા. આથી, તમામ બાળકોને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જો કે, આ ઘટનામાં આગળની પરિસ્થિતિ વિશે હજુ કંઇ કહી શકાય નહીં. પરંતુ સદનસીબે કોઇનું મોત નથી નિપજ્યું. પણ આ દુર્ઘટનામાં જો કોઇનું મોત નિપજ્યું હોત તો શું તંત્ર જવાબદારી લેત? શું તંત્ર તેઓને વળતર આપત? આખરે કેમ દર ચોમાસાએ આવી કોઇ ને કોઇ ઘટનાઓ ઘટતી જ રહે છે. શા માટે તંત્ર ચોમાસા પહેલા અગમચેતી નથી દાખવતું. શા માટે તંત્ર આગ લાગે ત્યારે જ કુવો ખોદવા બેસે છે?
વધુમાં આ દુર્ઘટનામાં એક રીક્ષા અને ગાડીને નુકસાન જરૂર થયું છે. જ્યારે ચાર બાળકો ઘાયલ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તમને જણાવી દઇએ કે, રાજકોટમાં આ ઘટના બાદ જે-જે બાળકો ઘાયલ થયા છે તેઓના પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ મામલે સ્થાનિકોએ કટાક્ષ કરતા કહ્યું કે, ‘ચોમાસાની સિઝન છે અને બે-ત્રણ દિવસથી સતત વરસાદ આવી રહ્યો છે. તેમજ આ નદી-કાંઠાનો વિસ્તાર છે. ત્યારે દિવાલ પડવાની આ ઘટનાને લઇને હજુ સુધી કોઇ ધારાસભ્યને ખબર નથી પડી. પોલીસને ખબર પડી ગઇ, વીડિયોવાળાને ખબર પડી ગઇ પણ હજુ સુધી સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્યને આ ઘટના અંગેની જાણ નથી થઇ.’