મારુતિ સુઝુકી 20 જુલાઈએ લોન્ચ કરશે પ્રીમિયમ SUV ગ્રેન્ડ વિટારા
11,000 રૂપિયા આપીને કરાવી શકશો બુકિંગ
ગ્રેન્ડ વિટારાની સીધી ટકકર ટોયોટા અર્બન ક્રુઝર હાયરાયડર સાથે થશે
મારુતિ સુઝુકીએ સોમવારના રોજ તેની આગામી પ્રીમિયમ SUV ગ્રેન્ડ વિટારાનું બુકિંગ શરૂ કરી દીધું છે. નવી SUV 20 જુલાઈએ લોન્ચ થશે. ગ્રાહકો કોઈપણ નેક્સાનાં શોરૂમમાં કે તેની વેબસાઈટ પર લોગ ઈન કરીને ગ્રેન્ડ વિટારાનું પ્રી-બુકિંગ કરાવી શકે છે. ગ્રેન્ડ વિટારાની બુકિંગની રકમ 11,000 રૂપિયા છે.
ગ્રેન્ડ વિટારાની સીધી ટકકર ટોયોટા અર્બન ક્રુઝર હાયરાયડર સાથે થશે, જે ગયા મહિને બહાર પાડવામાં આવી હતી. તેનો મુકાબલો હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ સાથે પણ ટકરાશે. આ પહેલાં મારુતિ સુઝુકીએ બ્રેઝાને ‘બ્રેઝા’ નામથી ફરીથી લોન્ચ કરી હતી. તેની એક્સ-શોરૂમ કિંમત 7,99,000 રૂપિયા છે.
તેને 10-11 લાખની પ્રારંભિક કિંમતે ઓફર કરી શકાય છે. ગ્રેન્ડ વિટારાનું પ્રોડક્શન ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના છે. હાઇરાઇડરની જેમ જ તેમાં મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 1.5 લિટરનું માઈલ્ડ હાઇબ્રિડ એન્જિન હોઈ શકે છે. તેનું પ્રોડકશન કર્ણાટકનાં બિદાદી પ્લાન્ટમાં કરવામાં આવશે.
2022ની ગ્રેન્ડ વિટારા SUVમાં હાઈરાઈડર જેવાં ફીચર્સ હોઈ શકે છે. એવી પણ આશા રાખવામાં આવી રહી છે, કે તે નવાં એક્સટીરિયર શેડ અને સ્પોર્ટ એક્સટીરિયર લુકમાં જોવા મળશે. ગ્રેન્ડ વિટારામાં નવ ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરાં, હેડ-અપ-ડિસ્પ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ ચાર્જર્સ, ઇલેક્ટ્રિક સનરૂફ્સ અને લેધરી અપહોલ્સ્ટ્રી જેવાં ફીચર્સ હોઈ શકે છે.