શિવસેનાએ આખરે પત્તા ખોલ્યા
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ ઉમેદવારને આપશે સમર્થન
દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં જોવા મળ્યા મોટાભાગના સાંસદ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કયા ઉમેદવારને સમર્થન આપવું તે અંગે હવે શિવસેનાએ પત્તા ખોલી નાખ્યા છે. પાર્ટીના સાંસદોએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. આ જાણકારી સૂત્રોના હવાલે આવી છે. જેની અધિકૃત જાહેર થવાની બાકી છે.
આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી પર રણનીતિ નક્કી કરવા માટે એનડીએ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં એકનાથ શિંદે જૂથને પણ આમંત્રણ અપાયું છે. બેઠક દિલ્હીમાં થશે. શિંદે જૂથના નેતા દીપક કેસરકર પણ આ બેઠકમાં સામેલ થશે.
મહારાષ્ટ્રમાં શિવસેનાના 18 લોકસભા સભ્યોમાંથી 13 સભ્યોએ સોમવારે રાષ્ટ્રપતિ ચૂંટણી અંગેની એક મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો. મોટાભાગના સાંસદોએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનું સૂચન કર્યું. આ જાણકારી શિવસેનાના નેતા ગજાનન કિર્તીકરે આપી.
મહારાષ્ટ્રમાં 18 લોકસભા સાંસદો ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નાગર હવેલી અને દમણ અને દીવથી કલાબેન ડેલકર પણ શિવસેના સાંસદ છે. કિર્તીકરે કહ્યું કે બેઠકમાં 13 સાંસદો ભૌતિક રીતે સામેલ થયા હતા જ્યારે ત્રણ અન્ય સંજય જાધવ, સંજય માંડલિક અને હેમંત પાટિલ બેઠકમાં સામેલ થઈ શક્યા નહીં પરંતુ તેમણે નેતૃત્વને પોતાના સમર્થનની પુષ્ટિ આપી હતી.
કિર્તીકરે કહ્યું કે મોટાભાગના સાંસદોનો મત હતો કે પાર્ટીએ દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું કે શિવસેનાના બે લોકસભા સભ્ય ભાવના ગવલી અને શ્રીકાંત શિંદે (મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર) બેઠકમાં સામેલ થયા નહતા. રાષ્ટ્રપતિ ચૂંટણી 18 જુલાઈના રોજ થવાની છે.