આઠ જિલ્લાઓમાં વરસાદને લઈને મંત્રીઓને સોંપાઈ જવાબદારી
ભારે વરસાદની સ્થિતિને લઇ સરકાર એક્શનમાં
ભારે વરસાદ હોય તેવા પ્રભાવિત જિલ્લામાં મંત્રીઓ જવા રવાના થયા
ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઇને ભારે વરસાદની સ્થિતિ સામે સરકાર એક્શન મૉડમાં આવી ગઈ છે. આ મામલે મુખ્ય સચિવ પંકજકુમારે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. તો બીજી તરફ 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવાયા છે અને પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લામાં મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની સૂચના અપાઈ છે.
જેને લઇને મંત્રીઓ રવાના થયા છે.
1. પૂર્ણશ મોદી: ભરૂચ અને નર્મદા
2. મુકેશ પટેલ: તાપી
3. કનું દેસાઇ: સુરત અને વલસાડ
4. નરેશ પટેલ: ડાંગ
5. નિમિષાબેન સુથાર: છોટાઉદેપુર
6. ઋષિકેશ પટેલ: અમદાવાદ
મુખ્ય સચિવ પંકજકુમારે આઠ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી અને તેમણે ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન સમીક્ષા કરીને કરેલી તૈયારીઓ અને કામગીરીની માહિતી મેળવી હતી.
તેમજ જિલ્લાકક્ષાના ડિઝાસ્ટર પ્લાન સંદર્ભે એકદમ સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ રાહત કામગીરીને વધુ સજજ બનાવવા સૂચનાઓ આપી હતી. જ્યાં સંભવિત ભયજનક સ્થિતિ હોય તેવી જગ્યાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વધુને વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવા જણાવી અસરગ્રસ્તોને આરોગ્ય ભોજન સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.
તેમણે ઉમેર્યું કે આગામી ૪૮ કલાકમાં પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વધુ પાંચ એનડીઆરએફની ટીમોને રવાના કરી દેવાઈ છે. જે સત્વરે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ જશે. તેમણે આ જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને એક ટીમ તરીકે એલર્ટ મોડમાં રહીને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં રહેતા નાગરિકોને કેશડોલ્સ સહિતની વિવિધ સહાય પણ સત્વરે પૂરી પાડવા સૂચન કર્યું હતું.
તો બીજી તરફ દરેક જિલ્લામાં ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓને કામગીરીની સોંપણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આ વખતે રાજય સરકારના મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. જેમાં 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારીઓ બનાવાયા છે. તેવામાં હાલ રાજ્યમાં આઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખબક્યો છે તેને લઈને સરકારે એલર્ટ બનીને મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી પૂર્ણશ મોદીને તથા મુકેશ પટેલને તાપી અને કનું દેસાઇને સુરત તથા વલસાડ તેમજ નરેશ પટેલને ડાંગ અને નિમિષાબેન સુથારને છોટાઉદેપુર તથા ઋષિકેશ પટેલને અમદાવાદની જવાબદારી અપાતા વરસાદ હોય તેવા પ્રભારી જિલ્લામાં મંત્રીઓ જવા રવાના થયા છે. જયા મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની અને જરૂરી સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આગામી સમયમાં મુખ્યમંત્રી પુર પ્રભાવિત જિલ્લાની મુલાકાત લેશે તેવું જાણવા મળી રહ્યું છે.