રાજકોટમાં પોણા બે ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી પાણી…,
આજી-2 ડેમનો દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો
રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 13.50 ઈંચ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ શરુ થયો હતો અને બપોર પછી 4 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. શહેરમાં બપોર બાદ 4 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 41.55 MM, ઇસ્ટ ઝોનમાં 38 MM અને વેસ્ટ ઝોનમાં 35 MM વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં સીઝનના વરસાદની વાત કરીએ તો ઇસ્ટ ઝોનમાં 231 મી.મી, વેસ્ટ ઝોનમાં 335 મી.મી અને સેન્ટ્રલ ઝોનમાં 342 મી.મી વરસાદ નોંધાયો છે. આમ સરેરાશ વરસાદ 11.91 ઇંચ જેટલો વરસાદ મનપાના ચોપડે નોંધાયો છે.
આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જ્યાં કાલાવડ રોડ પર વરસાદને પગલે રસ્તા પર ખાડા પડ્યા હતા. એ સમયે પ્રિ-મોન્સૂન પ્લાનની વાતો કરતા મહાનગરપાલિકાના સતાધીશો અને કર્મચારીઓની પોલ ખુલી હતી. આવા સમયે જડુસ હોટેલ પાસે ફરજ તૈનાત TRBના જવાનોએ ખાડા બુર્યા હતા.હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ઉપરાંત રાજકોટના ઉપલેટામાં આજે સવારથી એક બાદ એક વરસાદના રાઉન્ડ આવી રહ્યા છે. વહેલી સવારે વાદળો ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું લોકો બજારોમાં નીકળ્યા છે ત્યારે વરસાદે લોકોના વ્યવહાર અને ખરીદીના સમયને ખોરવી નાખ્યો હતો. ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો ખરીદી માટે આવ્યા છે ત્યારે વરસાદે તેમનો સમય વેડફી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. વાવણી બાદ અને રજાઓ બાદ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો શહેર તરફ ખરીદી માટે આવતા હોય છે.
નોંધનીય છે કે રાજકોટમાં રવિવારે સવારે વાદળછાયુ વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે બપોરે 2 કલાકે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. બપોરે 2થી 3 સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં થયો હતો. ત્યારબાદ આખો દિવસ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 13.50 વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 જૂનથી લઇને 10 જુલાઇ સુધીમાં સરેરાશ કરતા 64 ટકા વધુ વરસાદ પડ્યો છે.
1 જૂનથી 23 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 ટકા વરસાદની ખાધ હતી. ગત સપ્તાહે સાર્વત્રિક વરસાદ શરૂ થતા ચિત્ર પલટાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં જોઈએ તો સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદને બાદ કરતા તમામ જિલ્લામાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બની રહ્યું છે. જેની અસર આજથી શરૂ થશે. નવી સિસ્ટમ વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ હોવાને કારણે ફરી પાછો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. દરિયાકાંઠના વિસ્તારોમાં 2થી 5 ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે.