મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષમાં ઉદ્ધવ ફસાયા
ઠાકરે માથે વધુ એક મુશ્કેલીના એંધાણ
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે બોલાવેલી બેઠકમાં સાંસદો ગાયબ
મહારાષ્ટ્રમાં ધારાસભ્યોનો બળવો અને સુપ્રીમ કોર્ટ મામલાની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સાથે આપનારા 15 ધારાસભ્યોને પત્ર લખ્યો છે. તેમણે પત્રના માધ્યમથી ધારાસભ્યોને આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, કપરા સમયમાં આપે મને સમર્થન આપ્યું તેના માટે આભાર વ્યક્ત કરુ છું. હકીકતમાં ગત દિવસોમાં શિવસેનાના 40 ધારાસભ્યો બળવો કરીને એકનાથ શિંદે સાથે જતા રહ્યા હતા. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ભાંગી અને શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા.
તો વળી સમાચાર આવી રહ્યા છે કે, ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. હકીકતમાં જોઈએ તો, ઠાકરે આજે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને સાંસદોની બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 સાંસદોમાંથી ફક્ત 10 સાંસદ જ હાજર રહ્યા હતા. ત્યારે આવા સમયે એવો ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, અન્ય ધારાસભ્યો ટૂંક સમયમાં શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે. આ અગાઉ સમાચાર આવ્યા હતા કે, શિવસેનાના કેટલાય સાંસદો શિંદે જૂથના સંપર્કમાં છે. તો વળી થાણે અને નવી મુંબઈના કેટલાય કોર્પોરેટરો પણ શિંદેનું સમર્થન કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે મીડિયા સામે આવ્યા હતા. તેમણે કહ્યુું કે, તેમની પાર્ટી સુપ્રીમ કોર્ટ પર પુરો વિશ્વાસ ધરાવે છે. એકનાથ શિંદે સરકાર પર થયેલા સવાલના જવાબમાં રાઉતે કહ્યું કે, ફક્ત શિંદેના અસ્તિત્વનો સવાલ નથી, પણ લોકતંત્રના અસ્તિત્વનો પણ સવાલ છે. તેમણે કહ્યું કે, આ સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયપાલિકાની પણ પરીક્ષા છે.