ભારે વરસાદ મામલે PM મોદીએ CM પટેલ સાથે કરી વાત
દિલ્હી ગુજરાતના અસરગ્રસ્તોની પડખે હોવાની આપી ખાતરી
વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત
ગુજરાતમાં વરસાદી આફત સર્જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી.
વડાપ્રધાનએ આ વરસાદી સ્થિતીને પહોંચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.માન. વડાપ્રધાન શ્રી એ આજે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલ સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. તેમણે આ સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. ગુજરાતના લોકોની સંવેદનાસભર કાળજી લેવા બદલ પ્રધાનમંત્રીશ્રીનો આભારી છું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો.
આ જિલ્લાઓમાં નીચાણ વાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સૂચનાઓ આપી હતી. છોટાઉદેપુરમાં 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે.
મુખ્યમંત્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે. એટલું જ નહીં, પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય અને વરસાદને પગલે કોઈ જનહાની ન થાય અને ઓછામાં ઓછી નુકસાની થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, રાહત કમિશનર પી સ્વરૂપ અને વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદની બેઠકમાં જોડાયા હતા.