મુકેશ અંબાણીના આ બિઝનેસમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં અદાણી
Jioને ટક્કર આપવા બનાવ્યો મેગા પ્લાન
5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈએ થશે
ભારત અને એશિયાના સૌથી મોટા ધનકુબેર ગૌતમ અદાણી હવે ભારતના સૌથી મોટા બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા મુકેશ અંબાણી સાથે સીધી હરિફાઈમાં ઉતરી શકે છે. અત્યાર સુધી મોટા ભાગે અંબાણી અને અદાણી અલગ-અલગ રાહે આગળ વધી રહ્યાં છે પરંતુ અદાણીની કારોબાર વિસ્તરણની યોજના પૂર ઝડપે આગળ વધી રહી છે. સંભવિત છે કે અંબાણીના સૌથી ઝડપથી વધતા કારોબારની સામે જ હવે અદાણી પોતે પણ કિલ્લો ઠોકી શકે છે.
અહેવાલ અનુસાર ગૌતમ અદાણી ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશવા માટેની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લઈ શકે છે. 5G સ્પેકટ્રમ માટે અરજી કરવાની છેલ્લી તારીખે અદાણી ગ્રુપે દાવેદારી નોંધાવીને સૌને ચોંકાવી દીધા છે.
અદાણી જૂથે 8મી જુલાઈએ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. હવે જો અદાણી ગ્રૂપ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સ્પેક્ટ્રમ હસ્તગત કરીને ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશ કરશે તો તેની સીધી હરિફાઈ રિલાયન્સ જિયો અને એરટેલ સાથે થશે.
5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈએ થશે
5G સ્પેક્ટ્રમના ઓક્શમાં ભાગ લેવા માટેની અરજીની છેલ્લી તારીખ 8 જુલાઈ, 2022 સુધી હતી. આ દાવેદારીઓમાંથી સરકાર દ્વારા 20 જુલાઈએ બિડર્સની યાદી જાહેર કરવામાં આવશે અને 26 જુલાઈએ 5G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે.
જો અદાણી ગ્રૂપ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સ્પેક્ટ્રમ હસ્તગત કરીને ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશ કરશે તો તો તેમને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને સુનીલ ભારતી મિત્તલની એરટેલ સામે સીધી સ્પર્ધાનો સામનો કરવો પડશે.
માર્ચ, 2023 સુધીમાં 5G સર્વિસ શરૂ કરવાનો લક્ષ્યાંક :
મોદી સરકાર દેશની ટેક્નોલોજીને અદ્યતન બનાવવા તરફ કામ કરી રહી છે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત મહિને જ એક નિવેદનમાં કહ્યું હતું કે માર્ચ, 2023 સુધીમાં ભારતમાં 5G સેવા મળવાનું શરૂ થઈ જશે. 4G કરતા 5Gની સ્પીડ 10 ગણી ઝડપી હશે. તેમણે કહ્યું કે 20 વર્ષની વેલિડિટી સાથે કુલ 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી જુલાઈના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.