લખપતમાં એક જ દિવસમાં ધોધમાર 11 ઇંચ વરસાદ
માંડવીમાં NDRF તૈનાત કરાઈ
ધમાકેદાર બેટિંગથી અનેક વિસ્તારોમાં નદીઓ વહી નીકળી
છેલ્લા એક અઠવાડિયાની અંદર કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કચ્છના દરેક તાલુકાઓમાં રોજ સારી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો હજુ આવતા એક અઠવાડિયા સુધી કચ્છમાં વરસાદનું પ્રમાણ અવિરત રહેશે. તો આગામી એક અઠવાડિયામાં પણ તોફાની વરસાદની શક્યતા કેન્દ્રીય હવામાન વિભાગે દર્શાવી છે. તો કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેરની સામે માંડવી તાલુકામાં જાણે માં મહેર કહેર બની રહી હોય તેવું વર્તાઈ રહ્યું છે. તો લખપતમાં એક જ દિવસમાં 11 ઇંચ વરસાદથી તાલુકો જળબંબાકાર થઈ ગયો છે.
કચ્છ જિલ્લામાં અષાઢ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજા પધારતા ઠેર ઠેર લોકો માટે ખુશીનો માહોલ સર્જાયો હતો. કચ્છની અસહ્ય ગરમીથી ત્રસ્ત થતાં લોકોને વરસાદના આગમનથી રાહત મળી હતી. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી મેઘરાજા સતત વરસી કચ્છ પર મહેરબાન થયા છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છના માંડવી અને મુન્દ્રામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે સારી માત્રામાં પાણીની આવ થઈ હતી. તો બીજી તરફ માંડવી તાલુકામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે તાલુકાના અનેક તળાવો અને ડેમ ઓવરફ્લો થયા હતા તો નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
કચ્છભરમાં ગુરુવારે આ સીઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. લખપતમાં 276 મી.મી., નખત્રાણામાં 176 માંડવીમાં 104, ભુજમાં 39, મુન્દ્રામાં 85, તો અબડાસામાં 72 મી.મી. વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પૂર્વ કચ્છમાં સૌથી વધારે વરસાદ અંજારમાં 28 મી.મી. નોંધાયો હતો, ગાંધીધામમાં 47, રાપરમાં 6 મી.મી. અને ભચાઉમાં 10 મી.મી. વરસાદ નોંધાયો હતો.
આ સીઝનમાં વરસાદના આંકડાનીવાત કરીએ તો શુક્રવાર સવારે આઠ વાગ્યા સુધીમાં જિલ્લામથક ભુજમાં 278 મિલીમીટર, માંડવીમાં 415 મી.મી., મુંદ્રામાં 386 મી.મી., અબડાસામાં 209, નખત્રાણામાં 326 અને લખપતમાં 438 મી.મી. વરસાદ નોંધાયો હતો. બીજી તરફ પૂર્વ કચ્છમાં સરવાળે વરસાદ ઓછું હોતાં અંજારમાં 152, ગાંધીધામમાં 105 તો રાપરમાં અને ભચાઉમાં 37 મી.મી. વરસાદ નોંધાયો છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આવતાં શુક્રવાર સુધી કચ્છમાં ગાઢ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની સંભાવના છે. ખાસ કરીને આજે શનિવારે અને રવિવારે તોફાની વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. તો ગાંધીનગરથી ભુજ મોકલાયેલી એન.ડી.આર.એફ.ની ટીમને માંડવી તાલુકામાં તૈનાત કરવામાં આવ્યો છે. આ ટુકડી તાલુકાના દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેશે અને નીચાણ વાળા તેમજ વધારે વરસાદ નોંધાવનાર વિસ્તારોમાં મદદરૂપ બનશે.