આજે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે
ગીર સોમનાથમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે
રાજકોટના નાની પરબડી અને જુનાગઢ હાઈ-વેને જોડતા કોઝવે પર પાણી ભરાયા છે
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહની વરસાદ અવિરત ખાબકી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. પણ કેટલી ક જગ્યાએ આ મહેર કહેર બનીને પણ વરસી છે. ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેતરો હોય કે નીચાણ વાળા ગામડાઓ, શહેરોના રસ્તાઓ કે હાઇવે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.
સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે.સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગીર સોમનાથમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે.ગીરસોમનાથમાં ભારે વરસાદને કારણે 3 તાલુકા પ્રભાવિત થયા છે.ખેતરોમાં મગફળીના પાક પણ પાણી પાણી થઇ ગયા છે.કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં ખેતરો અને રસ્તાઓ સરોવર બન્યા.
ગીરસોમનાથના સુત્રાપાડા તાલુકામાં વરસાદથી હાલાકી વધી છે. સુત્રાપાડાના ખેર ગામ પાસે પૂલ તૂટયો હોવાની લાઈવ ઘટના કેમેરામાં કેદ થઈ છે. પૂલ તૂટવાથી કોઇ જાનહાની થઈ નથી પણ વાહનવ્યવહારને મોટી અસર પડી છે.
જૂનાગઢ શહેર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે.ઝાંઝરડા અન્ડર બ્રિજ પર પાણી ભરાતા કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. કારમાં બેસેલા લોકો અંદર ફસાયા ગયા હતા. વોકળા પર થયેલા ગેરકાયદેસર બાંધકામને કારણે ભરાયા પાણી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. જૂનાગઢમાં મનપા વિસ્તારમાં રસ્તાઓની હાલત બદતર બની છે. રસ્તાઓ પર ગાબડા પડતા વાહનો ફસાવવાની ઘટનાઓ સામે આવી હતી. JCBની મદદથી વાહનો બહાર કાઢવામાં આવ્યા હતા. શહેરની પાણીમાં ગરકાવ છતાં એક પણ અધિકારી રસ્તા પર સ્થિતિનો તાગ મેળવવા દેખાયો નથી
રાજકોટના નાની પરબડી અને જુનાગઢ હાઈ-વેને જોડતા કોઝવે પર પાણી ભરાયા છે. કોઝવે પર પાણીના પ્રવાહમાંથી પસાર થતા સમયે એક બાઇક તણાઈ ગયુ હતુ. જો કે સ્થાનિકોએ સુજબુઝથી બાઇકચાલકને બચાવી લીધો હતો. રાજકોટ જિલ્લાનો ફોફળ-1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. જિલ્લા કલેકટરે લોકોને સાવચેત કરતાં કહ્યું છે કે નદીના પટમાં અવરજવર ન કરવામાં આવે. રાજકોટના ધોરાજીમાં શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર પાસેના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વર્ષોથી આ સમસ્યા વણઉકેલી છે. તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરાઇ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે.