શિક્ષણ આજકાલ એક વ્યવસાય બની ગયો છે. પહેલા જ્ઞાન આપવામાં આવતું અને તેની સામે દક્ષીણા આપવી પડતી હતી. પણ આજે શિક્ષણ પ્રથા એટલી મોંઘી થઈ છે કે ગરીબો માટે શિક્ષણ કપરું સાબિત થઇ રહ્યું છે. આજનું શિક્ષણ બીબાઢાળ બની ગયું છે. ત્યારે વડોદરામાં વર્તમાન શિક્ષણથી કંઈક અલગ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને આ વ્યવસ્થ સાર્દુલ શિશુવિહારે શરૂ કરી છે.બગીચામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના ઓરડા કે બ્લેક બોર્ડ વિનાની શાળા એટલે સર્દુલ શિશુવિહાર. અહીં 3થી સાત વર્ષના બાળકો માતાની સાથે અભ્યાસ માટે આવે છે અને માતાઓ બાળકોને પ્રકૃતિ વચ્ચે ભણાવે છે.
વર્તમાન શિક્ષણ પ્રથાથી બાળકો પર સતત પ્રેશર આવે છે. ફીના ભારણ વચ્ચે માતા-પિતા પીસાય છે. દેખાદેખીમાં સારું અને સાચુ શિક્ષણ કયા મળે છે તે વાલીઓ ભૂલી ગયા છે. જોકે વડોદરા, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં થયેલી સાર્દુલ શિશુવિહારમાં અનેક વાલીઓ પોતાના બાળકોને મોકલતા થયા છે. અહીં 7 વર્ષથી વધુ ઉંમરના બાળકોના અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને પોર, ગામ કે આશ્રમમાં સપ્તાહમાં 3 દિવસ લઈ જવામાં આવે છે. જ્યાં યોગ, પ્રાણાયામ, વેદ અને પુરાણનું જ્ઞાન આપવામાં આવે છે. ધોરણ 3 પછી બાળકો કેન્દ્ર સરકારની NOIS સંસ્થામાં પરીક્ષા આપી શકે છે અને બાદમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી શકે છે. 7 વર્ષથી ઉપરના બાળકોને નિવૃત્ત વડીલ ભણાવે છે. અને વાલીઓ પણ ગુરુ દક્ષિણા રુપે જે આપે તે સ્વીકારવામાં આવે છે. ત્યારે આ અનોખી શાળાની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે.
સૌથી મોટી વાત એ છે કે અહીં કોઈ ફી લેવામાં આવતી નથી. અહીં બગીચામાં કે વિવિધ પ્રાકૃતિક સ્થળોએ બાળકોને અભ્યાસ કરવાય છે. માતૃભાષા, સંસ્કૃતનું વાંચન લેખન કરાવવામાં આવે છે. બાળક એકલું નહીં પણ માતાને પણ આવવું પડે છે. 2018થી વડોદરામાં શરૂ થયેલી આ શાળામાં 20 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આ અનોખી શાળાઓમાંથી પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.