જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેની હત્યા પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
મારા પ્રિય મિત્ર આબેના નિધનથી નિઃશબ્દ છું
આબેના સન્માનમાં 9મી જુલાઇએ ભારતમાં રાષ્ટ્રીય શોક
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે આજે સવારે હિંચકારી હુમલો થયો હતો. જેમાં હુમલાખોર દ્વારા બંદુક વડે શિંન્ઝો આબેની છાતીમાં ગોળી મારવામાં આવી હતી.જે બાદ તેઓને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
આ ઘટના બાદ PM મોદીએ જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું મારા સૌથી પ્રિય મિત્ર શિન્ઝો આબેના અવસાન પર દુઃખી છું. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ એક જબરદસ્ત વૈશ્વિક રાજનેતા, ઉત્કૃષ્ટ નેતા અને નોંધપાત્ર વહીવટકર્તા હતા. તેમણે જાપાન અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, આબે સાથેનો મારો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન હું તેમને ઓળખતો હતો અને હું PM બન્યા પછી અમારી મિત્રતા ચાલુ રહી. અર્થતંત્ર અને વૈશ્વિક બાબતો અંગેની તેમની તીક્ષ્ણ આંતરદૃષ્ટિએ હંમેશા મારા પર ઊંડી છાપ પાડી છે.
તેમણે જણાવ્યું કે, મારી તાજેતરની જાપાનની મુલાકાત દરમિયાન મને આબેને ફરીથી મળવાની અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી. તે હંમેશની જેમ વિનમ્ર અને સમજદાર હતાં. મને ખબર ન હતી કે આ અમારી છેલ્લી મુલાકાત હશે.તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના પ્રગટ કરું છું.
PM મોદીએ કહ્યું આબેએ ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે ઉન્નત કરવા માટે ઘણું યોગદાન આપ્યું છે. આજે, આખું ભારત,જાપાન સાથે શોક વ્યક્ત કરે છે અને અમે આ મુશ્કેલ સમયમાં અમારા જાપાની ભાઈ-બહેનો સાથે એકતામાં ઊભા છીએ. તેમણે ઉમેર્યુ કે, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન આબે શિન્ઝો પ્રત્યેના અમારા ઊંડા આદર દરમિયાન 9 જુલાઈ 2022ના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.