ગુજરાતમાં મેઘરાજા મહેરબાન
સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદી માહોલ
પોરબંદર-ગીર સોમનાથમાં દરિયો બન્યો તોફાની
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આ વખતે વારો સૌરાષ્ટ્રનો આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. હજી પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે.. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો અતિભારે વરસાદની વકીને પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાં પણ નીચાણ વાળા વિસ્તારોમાં ખાસ તંત્ર નજર રાખી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ધોધમાર વરસાદની આગાહીને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
પોરબંદરમાં 8થી 10જુલાઇના રોજ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઇને ગઇકાલ સાંજથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.એક તરફ સૂસવાટા બંધ પવન વચ્ચે દરિયામાં મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. જેને લઇને વહીવટી તંત્ર પણ એલર્ટ જોવા મળ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા.
તો આ તરફ ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત ચોથા દિવસે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. જેની અસર દરિયામાં પણ જોવા મળી છે. સોમનાથના અરબીસમુદ્રમાં વરસાદી માહોલ જામતા દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગની સાથે દરિયો તોફાની બનતા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યુ છે.એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. સમુદ્ર નજીક ભીડિયા સહિત વિસ્તારમાં તંત્ર સતર્ક જોવા મળ્યું છે.