રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંન્હા ગુજરાત પહોંચ્યા
જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ સાથે કરી મુલાકાત
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે યશવંત સિંન્હા
અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આજે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી. તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
વિપક્ષ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. 84 વર્ષીય યશવંત સિંહાએ IASની નોકરી છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના સૌથી મજબૂત નેતાઓમાંના એક હતા. તેઓ ત્રણ વખત કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. તો 1958માં પટના યુનિવર્સિટીના પ્રોફેસર બનવાથી લઇને 2022માં રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવા સુધીની રાજકીય સફરમાં અનેક વખત યશવંત સિન્હાના બળવાખોર વલણ જોવા મળ્યું છે.
યશવંત સિંહાનો જન્મ 06 નવેમ્બર 1937 ના રોજ બિહારના નાલંદા જિલ્લાના અસ્થાવન ગામમાં થયો હતો. તેણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. આ પછી તેઓ થોડો સમય પટના યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ રહ્યા. 1960માં, સિંહાની ભારતીય વહીવટી સેવા (IAS) માટે પસંદગી કરવામાં આવી હતી. તેમણે 24 વર્ષ સુધી IAS તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન તેઓ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી પણ હતા. બાદમાં તેમને જર્મનીના દૂતાવાસમાં ફર્સ્ટ સેક્રેટરી કોમર્શિયલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1973 અને 1975ની વચ્ચે, તેમને ભારતના કોન્સલ જનરલ બનાવવામાં આવ્યા.
1960ના IAS પરીક્ષામાં યશવંત સિન્હાને દેશમાં 12મો રેન્ક મળ્યો હતો. શરૂઆતી ટ્રેનિંગ બાદ તેમને બિહારના સંથાલ પરગનામાં DC(ડિસ્ટ્રિક્ટ કલેક્ટર) બનાવાયા હતા. વર્ષ હતું 1964. બિહારના તત્કાલિન મુખ્યમંત્રી મહામાયા પ્રસાદ સિન્હા સંથાલ પરગનાના પ્રવાસે ગયા હતા.
આ દરમિયાન કંઇક એવું થયું કે યશવંત સિન્હા ચર્ચામાં આવી ગયા. જોકે, CMને લોકોએ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટોળાની સામે જ મુખ્યમંત્રી યશવંત સિન્હાને સવાલ કરવા લાગ્યા. વારંવાર કરવામાં આવી રહેલા સવાલથી યશવંત સિન્હા હેરાન થઇ ગયા. આ દરમિયાન યશવંત સિન્હા પોતાના જવાબથી મુખ્યમંત્રીને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી સાથે આવેલા સિંચાઈ મંત્રી તેમના પર કંઇ વધુ જ બગડ્યા. ત્યારબાદ સિન્હાએ મુખ્યમંત્રી મહામાયા પ્રસાદ તરફ જોઈને કહ્યું કે સર હું આ પ્રકારના વ્યવહારથી ટેવાયેલો નથી.
યશવંતનો આ જવાબ સાંભળીને મુખ્યમંત્રી તેમને એક રૂમમાં લઇ ગયા. ત્યાં SP અને DIGની સામે મહામાયા પ્રસાદે તેમને કહ્યું કે તમારે મંત્રીની સાથે આ પ્રકારનું વર્તન નહોતું કરવું. ત્યારબાદ યશવંત સિન્હાએ કહ્યું કે, તમારા મંત્રીને પણ મારી સાથે આ રીતે વ્યવહાર ન કરવો જોઈએ.
સિન્હાનો આ જવાબ સાંભળીને મહામાયા પ્રસાદ ગુસ્સામાં બોલી પડ્યા કે મુખ્યમંત્રી સાથે તમે આ પ્રકારની વાત કરવાની હિમ્મત કેમ કરી? સાથે જ તેમણે IAS સિન્હાને કહ્યું કે તમે બીજી નોકરી શોધી લો. આટલું સાંભળતા જ યશવંત સિન્હાએ મહામાયા પ્રસાદને કહ્યું કે, સર તમે એક IAS નથી બની શકતા, પરંતુ હું એક દિવસ મુખ્યમંત્રી બની શકું છું.