દ્વારકા જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ
સતત વરસતા વરસાદને પગલે જન જીવન થયું અસ્ત-વ્યસ્ત
હજુ પણ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે અને હજી પણ 12 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહીવટી તંત્ર સતર્ક થયુ છે. રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યાછે. ગીરસોમનાથ, દ્વારકા, વેરાવળ સહિતના મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે . ત્યારે દ્વારકામાં તો વરસાદને લઇને કલેક્ટરે ઘરની બહાર કામ વિના ન નીકળવાની અપીલ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ જન જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. સાથે જ જિલ્લાના અનેક ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં જિલ્લાના નીચાણવાળા વિસ્તારો પર તંત્ર નજર રાખી રહ્યુ છે. જો જરૂર પડે તો અન્ય સ્થળે ખસેડવાની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આ અંગે દ્વારકાના કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું કે જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને લોકો નદીના પટમાં કે કોઝવે પરથી પાણી પસાર થતુ હોય ત્યારે અવરજવર ન કરે. આગામી હજુ બે દિવસ ભારે વરસાદ પડી શકે છે તેવા સંજોગોમાં નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરો. નીચાણવાળા વિસ્તારો છે તેઓએ આશ્રય સ્થાનમાં સલામત સ્થળે જતા રહેવું જોઇએ. બને ત્યાં સુધી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેવી અપીલ પણ કરવામાં આવી હતી