મેઘાએ સર્જ્યો વિનાશ
ફોફળ નદીનો પુલ ધરાશાયી
ભારે વરસાદને લીધે નદી ઉફાન પર છે.
જ્યારે ચોમાસું આવે છે એટલે મુશ્કેલી શરૂ થઈ જાય છે, લોકો પરેશાન થાય છે અને ચોમાસું ગયા બાદ તે મુશ્કેલીનું પણ આવી જાય છે. પરંતુ કરોડોનાં આંધણ સાથે રાજકોટના મોટાભાગના તાલુકાઓમાં પહેલા વરસાદ સાથે ડામરના રસ્તા માટીના રસ્તા બની ગયા છે. તો ક્યાંય મુખ્યમાર્ગનો પુલ બેસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેતપુરમાં ભારે વરસાદને કારણે જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પુલ ધરાશાયી થયો છે. ધોધમાર વરસાદ પડતા લેધિકા અને ગોંડલનું પાણી ફોફળ નદીમાં આવ્યું છે. જેને કારણે પુલ ધરાશાયી થયો છે. પુલ બેસી જવાથી જામકંડોરણાથી ગોંડલ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ વિસ્તારમાં આ પુલ સિવાય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી હાલ જામકંડોરણાથી ગોંડલ અન્ય બહારના માર્ગ પસંદ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
આજે ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ જોવા મળ્યો છે. નાગવદર, ખાખી જાળીયા, ભાયાવદર, મજેઠી, લાઠ, ભીમોરામાં ભારે વરસાદ થયો છે.હાલ સુધીમાં 2 ઈંચથી પણ વધારે વરસાદ વરસી પડ્યો છે. ઉપલેટાના જવાહર રોડ, જિકરિયા ચોક, ચકલી ચોરા, કટલેરી બજાર, સતીમાંની ડેરી વિસ્તારમાં પાણી જ પાણી છે.
તો બીજી તરફ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અવિરત વરસાદ પડી રહ્યો છે..સતત વરસાદને કારણે જેતપુરના ઉમરાળી અને મેવાસા ગામમાં પાણી ફરી વળ્યા છે.. મેઘો મન મૂકીને વરસતા કારણે ગ્રામજનોની ઘર વખરી પણ પલડી છે. સતત 6 દીવસથી વરસાદ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસી રહ્યો છે.