2022માં કોર્પોરેટ કંપનીઓમાં ડિફોલ્ટનું પ્રમાણ વધવાની ભીતિ
કોર્પોરેટ કંપનીઓમાં મોંઘવારી સૌથી મોટો પડકાર
ઉત્પાદન ખર્ચમાં વધારો, કોવિડ રાહત પેકેજો પૂર્ણ થતાં લિક્વિડિટી ક્રાઈસિસ સર્જાશે
કાચા માલના વધતા ભાવોના કારણે ઉત્પાદન ખર્ચ વધતાં કંપનીઓની મૂડી પર દબાણ વધ્યુ છે. જેના કારણે આગામી સમયમાં વધુ કંપનીઓ દેવાની ચૂકવણીમાં નાદાર થવાની શક્યતા વધી છે. સબ-ઈન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કેટેગરીમાં ડિફોલ્ટનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વધશે. ગત નાણાકીય વર્ષમાં વાર્ષિક ડિફોલ્ટ રેટ 2.2 ટકા હતો. જે અગાઉના નાણા વર્ષમાં 2 ટકા કરતાં વધ્યો હતો. ડિફોલ્ટ રેટમાં છેલ્લા બે નાણાકીય વર્ષથી K આકારની રિકવરી જોવા મળી હતી. ગત દાયકામાં વાર્ષિક ડિફોલ્ટ રેટ 4.1 ટકા નોંધાયો હતો.
મહામારીના કારણે આપવામાં આવેલા રાહત પેકેજની સમયમર્યાદા હવે પૂર્ણ થઈ રહી છે. બીજી બાજુ મોંઘવારીના કારણે ઈનપુટ કોસ્ટમાં પ્રેશર વધ્યુ છે. ખાસ કરીને એમએસએમઈમાં લિક્વિડિટી ક્રાઇસિસ વધતાં નાદારીનું પ્રમાણ વધવાની ભીતિ ક્રિસિલે વ્યક્ત કરી છે.
રોકાણ આધારિત કેટેગરીમાં રાહતો સાથે એકંદર વાર્ષિક ડિફોલ્ટ રેટને ટેકો મળશે. ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ્સ માટે ડિફોલ્ટ રેટ ગત નાણાકીય વર્ષમાં ઘટ્યો હતો. જ્યારે સબ-ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કેટેગરીમાં ડિફોલ્ટર્સ વધ્યા હતાં. સબ-ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કેટેગરી એમએસએમઈ આધારિત છે. જેનો ડિફોલ્ટ રેટ ગતવર્ષે 5.24 ટકા હતો. 2020-21માં 3.90 ટકા જ્યારે 2011થી 2020 દરમિયાન સરેરાશ 6.1 ટકા નોંધાયો હતો. ગત નાણાકીય વર્ષમાં નાદાર થયેલ કંપનીઓની સંખ્યામાં 90 ટકા એમએસએમઈ સામેલ હતી.
એમએસએમઈમાં નાદારીનું જોખમ વધુ જોવાશે
ક્રિસિલના સિનિયર ડિરેક્ટર સોમશેખર વેમુરીએ જણાવ્યુ હતુ કે, ભારતની કંપનીઓમાં હાલ ડિફોલ્ટ રેટ K શેપ રિકવરીમાં પ્રતિબિંબ થઈ રહ્યો છે. જે મોટી અને મધ્યમ સાઈઝની કંપનીઓ માટે ઝડપી અને અનુકૂળ છે. જ્યારે એમએસએમઈ માટે જોખમી છે. મહામારીની સૌથી વધુ અસર એમએસએમઈ પર થઈ હતી. રાહત પેકેજ, ઉત્પાદન ખર્ચ અને કુત્રિમ કાર્ટેલના કારણે સર્જાયેલા પડકારોના કારણે આગામી સમયમાં એમએસએમઈમાં ડિફોલ્ટનું પ્રમાણ વધશે. મેન્યુફેક્ચરીંગ સેક્ટરની કામગીરી કેવી રહે છે તેના પર આધાર રહેલો છે. પરંતુ કાચા માલની કિંમતના બોજથી સેક્ટરને મોટી અસર પડી છે.
ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કંપનીઓનો હિસ્સો બમણાથી વધ્યો
કોવિડના કારણે સરકાર અને રેગ્યુલેટર્સે છૂટ્ટા હાથે રાહત પેકેજની લ્હાણી કરી હતી. લોન મોરેટોરિયમ, ઈમરજન્સી ક્રેડિટ ગેરેંટેન્ડ લાઈન્સ સહિતની સુવિધાઓ આપી હતી. જેના લીધે કંપનીઓની ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારો જળવાઈ રહ્યો હતો. જે હવે પૂર્ણ થઈ છે. બીજી બાજુ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કેટેગરીમાં કંપનીઓનો હિસ્સો વધી રહ્યો છે. માર્ચ-22 સુધી ક્રિસિલના 7000 કોઓપરેટિવ ઈશ્યૂર્સમાંથી 55 ટકા ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કંપનીઓ સામેલ હતી. જે 2016માં 24 ટકા હતી. ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં ડિફોલ્ટ રેટ નીચો હોય છે.