લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજૂક
પટનાથી દિલ્હી લઈ જવાશે
તેજસ્વીએ લોકોને કરી ભાવૂક અપીલ
પટનાની પારસ હોસ્પિટલમાં ભરતી બિહારના પૂર્વ સીએમ તથા રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજૂક છે. તેમણે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. આ તમામની વચ્ચે પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેજસ્વીએ બિહારની જનતા પાસે ભાવૂક અપીલ પણ કરી છે.
રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ રવિવારે પટનામાં રાબડી દેવીના સરકારી નિવાસ સ્થાને પડી ગયા હતા. જેનાથી તેમના ખભ્ભાનું હાડકુ તૂટી ગયું હતું. શરીરના અન્ય ભાગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓ પહેલાથી જ કેટલીય બિમારીથી પીડિત હતા. સોમવારે સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને પારસ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. જ્યાં તેમને આઈસીયુમાં ભરતી કરવામા આવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી અને લાલૂ પ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી.
આ ઉપરાંત તેજસ્વીએ લોકોને ખાસ અપીલ કરી છે કે, લોકો પોતાના ઘરે રહીને પ્રાર્થના કરે. હોસ્પિટલમાં ભીડથી સંક્રમણનો ખતરો રહે છે. તથા હોસ્પિટલમાં દર્દીઓે અને તેના સ્વજનોને કોઈ અગવડ ન પડે તેથી ત્યાં ભીડ એકઠી કરવી નહીં.