ભારતીય ટીમ એજબેસ્ટન ટેસ્ટમાં હાર્યા બાદ સ્લો ઓવર રેટ માટે દંડાઇ
ભારતીય ટીમ હવે ડબ્લ્યૂટીએ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગઇ છે
ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દંડાઇ છે
ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં હાર્યા બાદ સ્લો ઓવર રેટ માટે દંડાઇ છે. મેચ રેફરી ડેવિડ બૂને માન્યું હતું કે ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં ઓવર રેટ જાળવી શકી નથી. ભારતીય ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી નાખી છે અને આ કારણથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના બે પોઇન્ટ કાપવામાં આવ્યા છે અને ખેલાડીઓને 40 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) વર્તમાન સિઝનમાં ભારતીય ટીમ ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દંડાઇ છે.આ પહેલાં નોટિંગહામમાં બે અને સેન્ચ્યુરિયનમાં એક પોઇન્ટ કપાયો હતો. એજબેસ્ટનના બે એમ કુલ મળીને પાંચ પોઇન્ટ ઓછા થયા છે.
WTCમાં ભારત ચોથા ક્રમે
ભારતીય ટીમ હવે WTC પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગઇ છે અને પાકિસ્તાન ત્રીજા સ્થાને આવી ગયું છે. ભારતના પોઇન્ટ પ્રતિશત 52.08નો છે. ઓસ્ટ્રેલિયા ટોચના અને સાઉથ આફ્રિકા બીજા ક્રમે છે. 2020માં ભારત સામે બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને સ્લો ઓવર રેટ માટે દંડ થયો હતો જેના કારણે તે ફાઇનલની રેસમાંથી છેલ્લી ઘડીએ બહાર થઇ ગયું હતું. સ્લો ઓવર રેટ માટે આઇસીસીની આચારસંહિતા 2.22 મુજબ ખેલાડીઓને મેચ ફીની 20 ટકાની રકમનો દંડ ફટકારવામાં આવે છે.