રાજકોટના પટેલ વિહાર પરોઠા હાઉસવાળા હસમુખભાઈએ ગળેફાંસો ખાધો
આત્મહત્યા પાછળ આર્થીક સંક્રમણ કારણભૂત
ઘરે છતની હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાધો
રાજકોટ શહેરના જૂના અને જાણીતા ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલક હસમુખ પાંચાણીએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આપઘાત પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જાણવા મળશે. પરિવારના મોભીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ધોળકિયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા હસમુખ પુરુષોત્તમભાઇ પાંચાણી (ઉં.વ.65)એ વહેલી સવારે છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ હસમુખભાઇ પાંચાણી ત્રણ ભાઇમાં વચેટ હતા અને સંતાનમાં ત્રણ પુત્ર છે. વહેલી સવારે ચારેક વાગ્યે તેમનાં પત્ની જાગ્યા ત્યારે હસમુખભાઇ રૂમમાં જોવા ન મળતાં પત્ની હોલમાં આવતાં ત્યાં પતિને લટકતાં જોતાં કલ્પાંત કર્યો હતો, આથી બીજાં પરિવારજનો જાગી ગયાં હતાં. જ્યારે હસમુખભાઇનાં સ્વજનોએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જણાવ્યું હતું કે આમ તો તેમને કોઇપણ જાતની તકલીફ નહોતી, પણ હાલમાં કદાચ આર્થિક સંકડામણમાં આવી ગયા હોય એવી શક્યતા છે. જોકે ચોક્કસ કારણ બહાર આવ્યું ન હોવાથી પોલીસે તપાસ યથાવત્ રાખી છે.
ઉલ્લેખનીય છે કે હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતા હતા. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જૂનું અને લોકોમાં જાણીતું છે.