મકાઈના લોટનું ખીચું હેલ્થ માટે છે બેસ્ટ
ગરમાગરમ ખીચું નાનાથી લઈને મોટેરાંને પણ ભાવે છે
સરળ રેસિપિથી બનશે ફટાફટ આ વાનગી
ચોમાસું જેની આપણે સૌ રાહ જોતા હતા તે સીઝન શરૂ થઈ ગઈ છે. આ સીઝનમાં ખાસ કરીને મકાઈની વાનગી ખાવાની મજા વધી જાય છે. જો તમને પણ મકાઈની કેટલીક વાનગીઓ જેમકે ભજિયા, ખીચડી પસંદ હોય તો તમે આની સાથે ખીચુ પણ બનાવી શકો છો. તે તમને એક હેલ્ધી નાસ્તાની ગરજ સારશે. મકાઈના લોટનું ખીચુ તમારી હેલ્થ માટે પણ સારું રહે છે. તો જાણો કેવી રીતે સરળતાથી બનાવી શકાશે આ વાનગી.
મકાઈના લોટનું ખીચુ
સામગ્રી
- 1 કપ મકાઈનો લોટ (સફેદ કે પીળો કોઈ પણ)
- 2 કપ પાણી
- 2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
- 2 ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ
- 1 ટી સ્પૂન અજમો
- મીઠું સ્વાદાનુસાર
- તેલ જરૂર મુજબ
રીત
સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં પાણી, મીઠું અને અજમો નાખીને પાણીને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં ધીમે-ધીમે મકાઈનો લોટ નાખો. સતત હલાવતા રહો. ગઠ્ઠા ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. સાતથી દસ મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દેવુ. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવુ. વેલણથી હલાવશો તો વધારે સરળતાથી હલાવી શકશો. લોટ ચઢી જાય એટલે ગેસ બંધ કરીને, ગરમા-ગરમ ખીચા પર સિંગતેલ નાખીને સર્વ કરો.