આખું અઠવાડિયું મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી
અનેક વિસ્તારમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર
CM એકનાથ શિંદેનો પ્રશાસનને પણ સતર્ક રહેવા નિર્દેશ અપાયો
હવામાન વિભાગે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આખું અઠવાડિયું મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, બીડ, લાતૂર સબિત અનેક વિસ્તારમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે, પરિસ્થિતિને પહોંચી વળવા અનેક જગ્યાએ NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. સાથે નવનિયુક્ત CM એકનાથ શિંદેએ પ્રશાસનને પણ સતર્ક રહેવાનો તેમજ સાવધાની રાખવાનો નિર્દેશ કર્યો છે. નદીઓના જળસ્તર પણ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નવી મુંબઈ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં સોમવારના રોજ સાંજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતા. ગઇકાલે સવારના 8:30 વાગ્યાથી સાંજના 8:30 વાગ્યા સુધી કોલાબા ઓબ્ઝર્વેટરીએ 66.4 મિલીમીટર વરસાદ નોંધ્યો, જ્યારે સાંતાક્રૂઝમાં 40.4 મિમી વરસાદનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે નજીકના ઠાણે અન નવી મુંબઇમાં પણ થોડા સમય માટે ભારે વરસાદ વરસ્યો હતો. રાત્રે પણ વરસાદ શરૂ જ રહ્યો. સવારે જ્યારે લોકો સૂઇને જાગ્યા ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
ચોમાસાના વરસાદના કારણે હાલમાં નદીઓના જળસ્તર વધવાનો પણ ખતરો ઊભો થઇ રહ્યો છે. સોમવારના રોજ મુંબઇમાં પાણીને સપ્લાય કરનારી નદીઓમાં પાણીનું સ્તર વધીને 13 ટકા થઇ ગયું, જે વિકેન્ડ પર 11 ટકા હતું. અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, જેમાં હજુ વધારો થઇ શકે છે. દર ચોમાસાની ઋતુમાં મુંબઇના અનેક વિસ્તારોમાં પૂર જેવી હાલત થતી જોવા મળતી હોય છે. એવામાં લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે.