કોરોના અને રશિયા-યુક્રેન યુદ્ધ સંકટ બાદ હવે વૈશ્વિક અર્થતંત્ર પર મહામંદીનું તોળાતું સંકટ
જોકે ભારત-ચીન પર એની ઓછી અસર થશે
વર્ષ 2023માં અમેરિકા- યુરોપના અર્થતંત્રમાં એક ટકા જેટલો ઘટાડો થઈ શકે છે
અનેક વર્ષો બાદ ફરી એક વિશ્વ પર મંદીનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધથી યુરોપના દેશોમાં મુશ્કેલ આર્થિક ચઢાણો અને અનેક ઉત્પાદનોને લગતી સપ્લાય ચેઈનમાં અવરોધ સર્જાવા જેવી સમસ્યાને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનું સંકટ ઘેરાઈ રહ્યું છે. આ વખતની મંદીનું સંકટ એટલું ગંભીર જણાય છે કે વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિ એલન મસ્કને પણ એનો સતત ડર સતાવી રહ્યો છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ નોમુરા હોલ્ડિંગ્સે પણ આ જોખમ અંગે વિશ્વને સાવચેત કર્યું છે.
આ કારણોથી વૈશ્વિક મંદીનું જોખમ વધ્યું
• નોમુરાના એક અહેવાલ પ્રમાણે, આગામી 12 મહિનામાં વિશ્વનાં અગ્રણી અર્થતંત્રો મંદીની ઝપટમાં આવી જશે. અહેવાલ પ્રમાણે વિવિધ દેશોમાં કડક બની રહેલી સરકારી નીતિ અને જીવનનિર્વાહ પાછળ સતત વધી રહેલો ખર્ચ વૈશ્વિક અર્થતંત્રને આર્થિક મંદી તરફ ધકેલી રહ્યું છે.
• નોમુરાના આ અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયન (EU)ના દેશ, બ્રિટન (UK),જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા તથા કેનેડા જેવાં મોટાં અર્થતંત્રો મંદીની ઝપટમાં આવી શકે છે.
મોંઘવારી કાબૂમાં આવશે, પણ મંદીની અસર થશે
• નોમુરાએ કહ્યું હતું કે વિશ્વભરની મધ્ય બેન્કો મોંઘવારી (ફુગાવો)ને કાબૂમાં લેવા માટે વ્યાજદર વધારી રહી છે. મધ્યસ્થ બેન્ક તેમની નાણાં નીતિને પણ વધુ કડક બનાવી રહી છે, પછી ભલે તેની ગ્લોબલ ગ્રોથ પર પ્રતિકૂળ અસર થાય.
• હવે એ વાતનો સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે વિશ્વ અર્થતંત્રના વૃદ્ધિદરની ઝડપ ધીમી પડી રહી છે. એનો અર્થ એ છે કે અર્થતંત્રમાં વૃદ્ધિની ઝડપ ધીમી પડી રહી છે.
અમેરિકા પર મંદીની સૌથી વ્યાપક અસર થશે
• અહેવાલ પ્રમાણે, અમેરિકામાં મોંઘવારી વિક્રમજનક સ્તર પર પહોંચી છે. કિંમતો પર પ્રેશર હવે કૉમોડિટી સુધી જ મર્યાદિત રહી નથી, પણ એની સર્વિસ સેક્ટર, રેન્ટલ તથા વેતન પર પણ અસર જોવા મળી રહી છે. જોકે નોમુરાનું કહેવું છે કે મંદી કેટલી ભયાનક રહેશે કે અલગ-અલગ દેશોમાં અલગ-અલગ એની અસર રહેશે.
• અમેરિકા અંગે નોમુરાએ કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટું અર્થતંત્ર આ વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મંદીની ઝપટમાં આવી શકે છે. અમેરિકામાં મંદીની આ અસર 1 વર્ષ અને 4 મહિના સુધી રહી શકે છે.
રશિયાના એક પગલાથી સમગ્ર યુરોપ ધ્રૂજી ઊઠશે
• યુરોપ અંગે કહેવામાં આવ્યું છે કે રશિયા ગેસ સપ્લાય સંપૂર્ણપણે અટકાવી દેશે તો યુરોપના દેશોમાં મંદીની ઘાતક અસર વધારે ગંભીર બની શકે છે. અહેવાલ પ્રમાણે આગામી વર્ષ 2023માં અમેરિકા તથા યુરોપના અર્થતંત્રમાં એક ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.
• જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને દક્ષિણ કોરિયા જેવા મધ્યમ આકારનું અર્થતંત્ર ધરાવતા દેશો અંગે કહેવામાં આવ્યું છે કે જો વ્યાજદરો વધારવાથી હાઉસિંગ સેક્ટર તૂટી પડશે તો આ દેશોમાં મંદી વધારે ભયાનક બની શકે છે.
• દક્ષિણ કોરિયામાં મંદીની સૌથી વધારે અસર થશે અને આ દેશોનાં અર્થતંત્રનું કદ આ વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 2.2 ટકાથી ઓછું રહેશે.
ભારત અને ચીન પર મંદીની કોઈ અસર થશે નહીં
• એશિયાનાં અર્થતંત્રોની વાત કરવામાં આવે તો જાપાન પર પણ મંદીનું સંકટ રહેલું છે. એશિયાના બીજા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા જાપાનમાં મંદીની અસર તુલનાત્મક રીતે ઓછી રહી શકે છે. જાપાનને નીતિવિષયક સપોર્ટ અને ઈકોનોમિક રિઓપનિંગમાં વિલંબથી મદદ મળી શકે છે.
• જ્યારે એશિયાના સૌથી મોટા અને વિશ્વના બીજા ક્રમના અર્થતંત્ર ચીન અંગે નોમુરાનું માનવું છે કે અનુકૂળ નીતિઓને લીધે આ દેશો મંદીની અસરને ખાળી શકે છે. જોકે ચીન પર જીરો-કોવિડ સ્ટ્રેટેજીને પગલે કડક લોકડાઉનનું સંકટ ધરાવે છે.
• મહત્ત્વના અર્થતંત્ર પૈકી એક સૌથી ઝડપી ગ્રોથ ધરાવતા દેશ ભારત પણ મંદીની અસર ખાળી શકે છે. જોકે વૈશ્વિક અર્થતંત્રની મંદીની મર્યાદિત અસરની આશંકાથી ઈનકાર કરી શકાય એમ નથી.