સંતાન સુખ મેળવવા અને દુશ્મનોને પરાજિત કરવા માટે સ્કંદ છઠ્ઠ વ્રત કરાય છે
ભગવાન સ્કંદ દેવ શક્તિના અધિદેવ છે
સ્કંદ કુમારઃ શક્તિના અધિદેવ અને દેવતાઓના સેનાપતિ
દર મહિનામાં આવતી સુદ પક્ષની છઠ્ઠ તિથિના દિવસે સ્કંદ છઠ્ઠ વ્રત રાખવામાં આવે છે. છઠ્ઠ તિથિની શરૂઆત 4 જુલાઈ, સોમવારના રોજ એટલે આજે સાંજે 6.32 વાગ્યા પછી થશે અને આ તિથિ 5 જુલાઈએ સાંજે 7.28 સુધી રહેશે. એટલે સૂર્યોદય કાળમાં છઠ્ઠ તિથિ મંગળવારે હોવાથી આ વ્રત 5 જુલાઈના રોજ રાખવામાં આવશે. આ વ્રત સંતાનની ઉન્નતિ અને તેમના સુખી જીવન માટે રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે અને મહિલાઓ દ્વારા વ્રત રાખવામાં આવે છે. શિવજીના તેજથી ઉત્પન્ન બાળક કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર પણ છે અને બાળકના 6 મુખ હતાં.
ભગવાન સ્કંદ શક્તિના અધિદેવ છે. જેમને દેવતાઓના સેનાપતિ પણ કહેવામાં આવે છે. તેમની પૂજા દક્ષિણ ભારતમાં સૌથી વધારે થાય છે. અહીં તેઓ મુરૂગન નામથી પણ પ્રસિદ્ધ છે. ભગવાન સ્કંદ હિંદુ ધર્મના પ્રમુખ દેવોમાંથી એક છે. તેમને કાર્તિકેય અને મુરૂગન પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પૂજવામાં આવતા મુખ્ય દેવતાઓમાંથી એક ભગવાન કાર્તિકેય શિવ પાર્વતીના પુત્ર છે. કાર્તિકેય ભગવાનના મોટાભાગના ભક્ત તામિલ હિંદુ છે. તેમની પૂજા ખાસ કરીને તમિલનાડુ અને ભારતના દક્ષિણ રાજ્યોમાં થાય છે. ભગવાન સ્કંદનું સૌથી પ્રસિદ્ધ મંદિર તમિલનાડુમાં જ છે.
આ દિવસે વહેલી સવારે સ્નાન વગેરે કરીને ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું અને ભગવાન કાર્તિકેયને ફૂલ, ફળ, ચોખા, ધૂપ, દીવો, ગંધ, લાલ ચંદન, મોરપાંખ વગેરે અર્પણ કરો. આ દિવસે મંદિરમાં જઇને ભગવાન શિવ અને તેમના આખા પરિવારની પૂજા કરો અને મિષ્ઠાનનો ભોગ ધરાવો. યથાશક્તિ દાનનું પણ મહત્ત્વ છે.
સ્કંદ પુરાણના નારદ-નારાયણ સંવાદમાં સંતાન પ્રાપ્તિ અને સંતાનની પીડાઓને દૂર કરનાર આ વ્રતનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. એક દિવસ પહેલાંથી ઉપવાસ કરીને છઠ્ઠ તિથિએ કુમાર એટલે કાર્તિકેયની પૂજા કરવી જોઈએ. ભગવાન કાર્તિકેયનું આ વ્રત કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ત્યાં જ, દરેક પ્રકારની પરેશાનીઓ પણ દૂર થાય છે. પુરાણો પ્રમાણે સ્કંદ છઠ્ઠની ઉપાસનાથી ચ્યવન ઋષિને આંખની જ્યોતિ પ્રાપ્ત થઈ હતી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સ્કંદ છઠ્ઠની કૃપાથી પ્રિયવ્રતનું મૃત શિશુ જીવિત થઈ ગયું હતું.