વરસાદમાં ડાંગ જિલ્લો સોળેકળાએ ખીલી ઉઠ્યો
આહવા નજીક જીવંત થયો શિવ ઘાટ ધોધ
ડાંગ જિલ્લાની આ રહી આહલાદળ તસ્વીરો
હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વરસાદ પડતાની સાથે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી રહી. છેલ્લા અઠવાડિયાથી ડાંગ જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે અહીંની નદીઓ વહેતી થઈ છે. આ ઉપરાંત અહીં નાના અને મોટા ધોધ પણ જીવંત થાય છે. આવો જ એક નાનો ધોધ શિવ ઘાટ જીવંત થયો છે.
શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાના વડામથક આહવાથી 10 કિલોમીટરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટે તમારે કોઈ ખાસ પ્રયાસો કરવાની પણ જરૂર નથી. આહવાથી વઘઈ જવાના રસ્તા આ ધોધ આવેલો છે. આ ધોધનું નામ શિવ ઘાટ હોવાનું કારણ તેની પાસે આવેલું શંકર ભગવાનનું નાનું મંદિર છે.
શિવ ઘાટ કોઈ મોટો નહીં પરંતુ નાનો ધોધ છે. આ ધોધ મુખ્ય રોડ પર હોવાથી અહીંથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીંથી પસાર થતા પ્રવાસીએ બે ઘડી માટે અહીં ગાડી થોભાવવાનું ચૂકતા નથી. અમુક પ્રવાસીઓ શિવ મંદિરની મુલાકાત લઈને ધોધમાં સ્નાન કરવાનો પણ લહાવો લેતા હોય છે. આ ધોધ સામાન્ય રીતે જૂન મહિનાથી જાન્યુઆરી મહિના સુધી જીવંત રહેતો હોય છે.
ચોમાસા દરમિયાન ડાંગનો ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ગીરા ધોધ વઘઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે મુખ્ય રોડ પરથી એક કિલોમીટર અંદરની સફર કરવી પડે છે. ચોમાસામાં અહીં ખૂબ ટ્રાફિક જોવા મળે છે.
આવો જ બીજો એક ધોધ ગીરમાળ આવેલો છે. આ ધોધ પણ સાપુતારા નજીક આવેલો છે. આ ધોધ આહવામાં સુબીર ગામ નજીક આવેલો છે. સુબીર ગામથી આ ધોધ 14 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટેનો રસ્તો પ્રમાણમાં સારો છે. અહીં આસપાસ પૂર્ણા નદી આવેલી છે. આસપાસનો વિસ્તાર પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે. ચોમાસા દરમિયાન અહીંની મુલાકાત સ્વર્ગનો અનુભવ કરાવશે!