લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ
10,459 જગ્યાઓ સામે બે ગણા ઉમેદવારોને બોલાવવામા આવ્યા
એલઆરડીમા વેઈટિંગ લીસ્ટનો નિયમ નથી
લોકરક્ષક પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. https://lrdgujarat2021.in વેબસાઈટ ઉપર જઈ પીડીએફ ખોલી Control F કરી પોતાનો રોલ નંબર નાખી સર્ચ કરવાથી ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકે છે. LRDની લેખિત કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોના કટઓફ માર્કસ વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
આ અંગે તેઓએ જણાવ્યું કે શારિરીક પરીક્ષા ગત ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લેવાઇ હતી. ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાઇ હતી. તમામ ગુણ ઉમેરી કટ ઑફ માર્ક ગઇકાલે જાહેર કરવામાં આવ્યા છે. 10,459 જગ્યાઓ સામે બે ગણા ઉમેદવારોને બોલાવવામા આવ્યા છે. એટલે કે 21 હજાર ઉમેદવારોને બોલાવાયા છે. તેઓએ જણાવ્યું કે એલઆરડીમાં વેઇટિંગ લિસ્ટનો નિયમ છે જ નહીં. જુલાઇમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે એકથી વધારે સંવર્ગની ભરતી થઇ રહી છે એટલે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે વેઈટિંગ લિસ્ટ ઓપરેટ નહી થાય. લેખિત પરિક્ષામા ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. ગેરલાયક ઉમેદવારો માટે સરકારને દરખાસ્ત કરી છે. આ ગેરલાયક ઠેરવ્યા હોય તેવા ઉમેદવારો આગામી ૩ વર્ષ માટે ભરતી પ્રક્રિયામાં ભાગ ન લઈ શકે માટે રજૂઆત કરી છે. આવા 14 ઉમેદવારોની યાદી સરકારને મોકલવામાં આવી છે તેમજ ઓનલાઇન પણ મુકવામાં આવી છે.
મહત્વનું છે કે LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ હતી. શારીરિક કસોટી 29મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. શારીરિક કસોટીમાં કુલ 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ લેવાઇ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા ભરવામાં આવશે.