રથયાત્રા પહેલા પોલીસનું મેગા રિહર્સલ
અર્ધલશ્કરી દળ, SRP, RAFનું રિહર્સલ
25 હજાર જવાનો જોડાયા
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇને અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. 1લી જુલાઇએ નાથ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા બંદોબસ્તને લઇને પોલીસ દ્વારા મેગા રિહર્સલ કરવામાં આવ્યું. સમગ્ર રથયાત્રા રૂટ પર પોલીસની ટીમ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. આ મેગા રિહર્સલમાં 25 હજાર જવાનો જોડાયા હતા. મહત્વનું છે કે રથયાત્રાના રૂટમાં સંવેદનશીલ વિસ્તારો પણ છે જ્યાં ખાસ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે આજે મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રથયાત્રાના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાય તેના ભાગરૂપે આજે પોલીસનું મેગા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા રિહર્સલનો હેતુ એજ હોય છે કે પ્લાનિંગમાં કોઇ ખામી હોય તો તેને તાત્કાલિક દૂર કનરીને સુચારુ આયોજન કરી શકાય. મહત્વનું છે કે આ વખતે પહેલીવાર પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામા આવનાર છે. આ વખતે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવાયા છે.
અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પગપાળા જોડાયા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સાથે ફરીને તેમણે સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ હતું. તેમજ તેમની પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
વધુમાં તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં રથયાત્રામાં પ્રથમવાર પેરામોટરનો ઉપયોગ થશે. આકાશમાં ઉડી શકે તે પ્રકારની પેરામોટરનો ઉપયોગ થશે. ડ્રોનની સાથે-સાથે પેરામોટરથી પણ નજર રહેશે. પોલીસે GMDCમાં પેરામોટરનું ટ્રાયલ પણ કર્યું છે. પેરાગ્લાઈડિંગથી આકાશમાંથી નજર રાખવામાં આવશે. પોલીસ જવાનો પેરાગ્લાઇડ કરી આકાશમાંથી નજર રાખશે. ગોકાર્ટ સાથે પેરાશુટથી જોડાયેલા વાહનનો ઉપયોગ કરાશે.