- આજે વૃદ્ધિ યોગમાં અમાસ ઉજવાશે
- પિતૃઓની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થશે
- સમૃદ્ધિ માટે દેવી અન્નપૂર્ણા અને હળની પૂજા કરવામાં આવશે
જેઠ મહિનાની અમાસ આ વર્ષે 28 અને 29 જૂન એટલે બે દિવસ રહેશે. આવું ક્યારેક જ થાય છે, જ્યારે એક તિથિ બે દિવસ હોય અને તેના બંને જ દિવસે કોઈ ખાસ પર્વ કે કોઈ શુભ યોગનો સંયોગ હોય. પહેલાં દિવસે મંગળવારે એટલે આજે હલહારિણી અને બીજા દિવસે બુધવારે સ્નાન-દાન અમાસ રહેશે.
આ અમાવસ્યા ખેડૂતો માટે શુભ દિવસ છે. પાકની વાવણી માટે આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. આ રીતે આ દિવસ ખેડૂતો માટે નવી સિઝનની શરૂઆતનો તહેવાર છે. આ દિવસે ખેડૂતો સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુ અને માતા અન્નપૂર્ણાની તેમજ હળ અને અન્ય ખેતીના સાધનોની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી સુખ અને સમૃદ્ધિ આવે છે અને પાકની ઉપજમાં વધારો થાય છે. જેમાં આ અમાવસ્યાના પહેલાં દિવસે ખેડૂતો ખેતરો અને ઘરમાં પૂજા કરશે. આ દિવસે કૃષિ ઉત્પાદનો વેચતા લોકો પણ તેમની દુકાનો શણગારે છે.
અમાસ તિથિ 28 જૂને સૂર્યોદય પછી સવારે 5.55 કલાકથી શરૂ થશે. જે બીજા દિવસે બુધવારે સવારે લગભગ 8.25 સુધી રહેશે. આ દિવસે વહેલી સવારે ખેતરોમાં હળ ખેડવામાં આવે છે. વરસાદ પછી, પાકની વાવણી અને તૈયાર પાકના સંગ્રહ સુધીની પ્રક્રિયા થાય છે. આ દિવસે ખેડૂતો તેમના ઘરના આંગણામાં સિઝનમાં વાવવાના પાકની પૂજા કરે છે. જેમાં અનાજ, તેલીબિયાં અને કઠોળ, તમામ પ્રકારના પાકનો સમાવેશ થાય છે. આ દિવસે, અન્નદેવતાને આગામી વર્ષ માટે સારી ઉપજ અને પરિવારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
મંગળવારે અમાસ તિથિ આખો દિવસ રહેશે. ઘર, મંદિર અને નદીના કિનારે પિતૃદોષ નિવારણ માટે પિતૃઓને નિમિત્ત તર્પણ વગેરે કરવામાં આવશે. આ દિવસે વૃદ્ધિ યોગ હોવાથી કરવામાં આવતી પૂજાનું શુભ ફળ વધી જશે. બપોરે લગભગ 11.30 થી 12.30ના સમયગાળા વચ્ચે પિતૃઓ માટે ખાસ પૂજા અને બ્રાહ્મણ ભોજન કરાવવાનું વિધાન છે. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.
ભગવાન શનિદેવની જન્મ તિથિ અમાસ છે. એટલે આ તિથિએ શનિદેવની ખાસ પૂજા કરવાની પરંપરા છે. અમાસના દિવસે તલના તેલથી શનિદેવનો અભિષેક કરવામાં આવે છે અને આ તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.