- મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા સમાચાર
- શિવસેનાના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ
- આવતીકાલે પૂછપરછ માટે બોલાવ્યા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દંગલની વચ્ચે મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા સંજય રાઉતને સમન્સ મોકલવામા આવ્યું છે, જેમા આવતીકાલે એટલે કે, 28 તારીખે તેમને પુછપરછ માટે બોલાવામાં આવ્યા છે. કહેવાય છે કે સંજય રાઉતને આ સમન પ્રવીણ રાઉત અને પાત્રા ચોલ જમીન કૌભાંડ સાથે જોડાયેલ કેસ મામલે મોકલવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ગત મહિને પણ ઈડીએ સંજય રાઉતની અમુક સંપત્તિઓ જપ્ત કરી હતી.ED આ અગાઉ શિવસેના નેતાના તેમના અલીબાગમાં એક પ્લોટ અને દાદરમાં એક ફ્લેટને ટાંચમાં લીધો છે. ઈડી રાઉત ઉપરાંત તેમની પત્ની સાથે પણ પૂછપરછ કરી ચુકી છે.
શિવસેના પર કંટ્રોલને લઈને ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે પાર્ટીના નેતા સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોની વિધાનસભા સભ્યપદ છોડીને નવેસરથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, જે પાછા આવવા માગે છે, તેમના માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે. તેમમે આશા વ્યક્ત કરી છે કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર હાલના સંકટમાંથી બહાર આવી જશે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખ પહેલાથી જ મની લોન્ડ્રીંગ મામલે ધરપકડ થયેલા છે. હવે રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉતને સમન્સ મોકલવામાં આવ્યું છે.
શિવસેનાના મોટા ભાગના ધારાસભ્યો એકનાથ શિંદે જૂથમાં જોડાઈ ગયા છે અને હાલમાં તેઓ ગુવાહટીમાં રોકાયેલા છે. તેના વિદ્રોહના કારણે શિવસેના પ્રમુખ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સંકટમાં આવી ગઈ છે. રાઉતે પત્રકારો સાથે વાત કરતા વિદ્રોહીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અને કહ્યું છે કે, બળવાખરો ધારાસભ્યો રાજીનામા આપે અને નવેસરથી ચૂંટણી લડી જીતી બતાવે. ભૂતકાળમાં છગન ભૂજબળ, નારાયણ રાણે અને તેમના સમર્થકો અન્ય દળોમાં જોડાઈ જતાં શિવસેનાના ધારાસભ્ય તરીકે રાજીનામા આપ્યા હતા. ત્યાં સુધી કે મધ્ય પ્રદેશના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થકોએ માર્ચ 2020માં કોંગ્રેસ ધારાસભ્યો તરીકે પણ રાજીનામા આપ્યા હતા.