- પીએમ મોદીની આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત
- બંને દેશની રક્ષા કૃષિ, ખાદ્ય સુરક્ષા પર ચર્ચા થઇ
- પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની ગયા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી-7 શિખર સંમેલનની ઇતર આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ વેપાર અને નિવેશ, રક્ષા સહયોગ, કૃષિ, જળવાયુ કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષા જેવા વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બન્ને નેતાઓએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને લાગુ કરવામાં પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રવિવારે જર્મનીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે.
ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટ પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે મ્યૂનિખમાં રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે સાર્થક બેઠક દરમિયાન ભારત-આર્જેન્ટિના વચ્ચે મૈત્રીપૂર્ણ સબંધોની સમીક્ષા કરવામાં આવી. આપણા દેશો વચ્ચે મજબૂત સહયોગથી આપણા લોકોને ઘણો ફાયદો થશે. જ્યારે પ્રધાનમંત્રી કાર્યાલયે મોદીની બે દેશોની યાત્રા દરમિયાન પ્રથમ દ્વિપક્ષીય બેઠક પર ટ્વિટમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યૂનિખમાં રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે વાતચીત કરી. બન્ને નેતાઓએ ભારત અને આર્જેન્ટિના વચ્ચે વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રગાઢ બનાવવાની રીત પર ચર્ચા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના મ્યુનિખમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું પીએમ મોદીએ જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કરી ભારતના વિકાસની વાત કરી ભારતીય લોકોના જુસ્સાની વાત કરી. પીએમ મોદીને સાંભળવા મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉમટ્યા હતા. તેમણે કહ્યું કે, જર્મનીમાં એકતા અને બંધુતાના દર્શન થયા છે. ભારતના લોકોનો જોશ અમારી તાકાત છે. હું 2015માં જર્મની આવ્યો હતો, અને હવે ફરી આવ્યો. હવે ભારત ઘણુ બદલાઈ ગયું છે. ભારતમાં કેવો વિકાસ થયો છે તે મામલે તેમણે વાત કરી.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત લોકશાહીની જનની છે. લોકશાહી દરેક ભારતીયના ડીએનએમાં છે. ભારત વિકાસ માટે હંમેશા તત્પર, તૈયાર અને અધીર છે. તેમણે ભારત અને ભારતીયના વખાણ કરતા કહ્યું કે, ભારત હવે આધુનિક રેલવે કોચ બનાવી રહ્યું છે. ભારતમાં દર મહિને 500 પેટન્સ ફાઈલ થાય છે. હાલમાં ભારતનો દરેક નાગરિક બેન્કીંગ સાથે જોડાયેલો છે. ભારતીયો ડિજિટલ બની રહ્યા છે, 15 લાખ લોકો ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરી રહ્યા છે.