હવે ભારતમાં જ થશે કાર ક્રેશ ટેસ્ટિંગ
નીતિન ગડકરીએ આપી મંજૂરી
ટૂંક સમયમાં જ ભારતની પોતાની સેફ્ટી એજન્સી હશે
ભારતીય કાર નિર્માતા કંપનીઓએ પોતાની કાર સેફ્ટી રેટિંગ માટે ગ્લોબલ NCAPમાં મોકલવી નહીં પડે. ટૂંક સમયમાં જ ભારતની પોતાની સેફ્ટી એજન્સી હશે. તેનું નામ હશે ભારત NCAP. આ એજન્સી ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે દેશમાં જ વાહનોને 1થી 5 સ્ટાર રેટિંગ આપશે.
આ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારત NCAPને લોન્ચ કરવા માટે GSR નોટિફિકેશનના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે આ માહિતી આપતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (ભારત NCAP) સિસ્ટમ લાવવા જઈ રહી છે. તે એક ગ્રાહક કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે કામ કરશે. તેનાથી ગ્રાહકોને સ્ટાર-રેટિંગના આધારે સેફ્ટી કાર પસંદ કરવાનો વિકલ્પ મળશે. આ સાથે જ દેશમાં સુરક્ષિત વાહનોના ઉત્પાદન માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) વચ્ચે નિષ્પક્ષ સ્પર્ધાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ક્રેશ ટેસ્ટના આધારે સ્ટાર રેટિંગ આપવું એ માત્ર કારની સ્ટ્રક્ચરલ અને પેસેન્જર સેફ્ટી નક્કી કરવા માટે જ નહીં, પરંતુ ભારતીય વાહનોની નિકાસ-યોગ્યતા વધારવા માટે પણ ખૂબ જ મહlત્ત્વપૂર્ણ છે. ભારત NCAPમાં ટેસ્ટિંગ પ્રોટોકોલ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટ પ્રોટોકોલ જેવો જ હશે. ક્રેશ ટેસ્ટમાં હાલના ભારતીય નિયમોને ધ્યાનમાં લેવામાં આવશે. ભારતની ઇન-હાઉસ ટેસ્ટિંગ સર્વિસમાં કાર ઉત્પાદકો પોતાના વાહનોનું પરીક્ષણ કરી શકશે.
ટેક્નિકલી જોઇએ તો NCAP ટેસ્ટમાં સૌથી ઓછું રેટિંગ કે સ્ટાર ધરાવતી કાર અકસ્માત સમયે સુરક્ષિત ગણવામાં આવતી નથી. ટેસ્ટ કરવામાં આવેલી કારને 0થી 5 સ્ટારનું રેટિંગ આપવામાં આવે છે. ક્રેશ ટેસ્ટમાં કારને એડલ્ટ સૅફ્ટી, બાળકની સલામતી સહિતના અનેક સ્ટાન્ડર્ડ પર કારનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. કારમાં માણસના ડમી પૂતળાનો ઉપયોગ કરીને કારના ક્રેશથી તેમના પર થતી અસરની તપાસ કરવામાં આવે છે.