બિહારમાં આકાશી આફત
એક જ દિવસમાં 7 લોકો પર વીજળી પડતા મોત
CM નીતિશ કુમારે પગ્રટ કરી સંવેદના
બિહારમાં ચોમાસું સક્રિય થયું ત્યારથી ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર ચાલુ છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં વિવિધ સ્થળોએ વાવાઝોડાને કારણે 7 લોકોના મોત થયા હતા. જેમાં સૌથી વધુ મોતિહારીમાં ત્રણ લોકોના મોત થયા છે. આ સિવાય સીવાન, બેતિયા, શેખપુરા અને ઔરંગાબાદમાં વીજળી પડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું છે.
પૂર્વ ચંપારણ જિલ્લામાં શુક્રવારે સાંજે આકાશી આફતનો કહેર જોવા મળ્યો હતો, પહાડપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ સિસ્વાના માલદહિયા ગામમાં વાવાઝોડાને કારણે એક વિધવા માતા અને તેના 17 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું. બીજી બાજુ મધુબનના ગોપાલપુર ગામમાં, શુક્રવારે વરસાદ દરમિયાન વાવાઝોડાને કારણે એક બાળકનો જીવ ગયો. અહીં એક ભેંસનું પણ મૃત્યુ થયું હતું.
સીવાન જિલ્લાના દરોંદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી પડવાથી એક કિશોરનું મોત થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સિવાય બેતિયા, શેખપુરા અને ઔરંગાબાદ જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે વીજળી પડવાથી જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. CMએ કહ્યું કે આ કટોકટીમાં સરકાર તેમની સાથે છે. તેમણે અધિકારીઓને મૃતકના નજીકના સંબંધીઓને તાત્કાલિક રૂ.4 લાખ આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાન દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી હતી.