ભાડા પટ્ટે ઓફિસની માગ 3 ગણી વધી
આ માંગમાં બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ ટોચ પર
7 શહેરોમાં મેમાં 6.1 મિલિયન ચોરસફૂટ ઓફિસ ભાડાપટ્ટે લેવાઈ
દેશમાં વર્ક ફ્રોમ ઓફિસ ટ્રેન્ડ ફરી શરૂ થતાં ઓફિસની માગ વધી છે. દેશના સાત શહેરોમાં ગત મહિને 6.1 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ ભાડે લેવામાં આવી હતી. ભાડેપટ્ટે ઓફિસની માગ ત્રણ ગણી વધી છે. ઓફિસ માર્કેટ લિઝિંગ ગતિવિધિઓમાં તમામ પ્રકારના ઓફિસ બિલ્ડિંગ ગ્રેડ્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. મે, 2021માં 2.2 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ ભાડે લેવામાં આવી હતી.
જેએલએલના ચીફ ઈકોનોમિસ્ટ અને હેડ ઓફ રિસર્ચ સમાંતક દાસે જણાવ્યુ હતુ કે, ઓફિસ માર્કેટમાં તેજી જોવા મળી છે.
કુલ બજાર માંગમાં સુધારો ઓફિસ બજારોની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. કોવિડ બાદ માર્કેટ ઘટવાની દહેશત હતી. પરંતુ વાસ્તવમાં કંપનીઓ કામના સ્થળે કામ કરવા માટે ઉત્સુક છે. ગ્રેડ એની કોમર્શિયલ સ્પેસ ડિમાન્ડ અપેક્ષા કરતાં મજબૂત રહી છે.
દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગ્લુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, અને કોલકાતામાં એપ્રિલ, 2022માં કુલ ઓફિસ લિઝિંગ 4.8 મિલિયન ચોરસ ફૂટ સામે મેમાં 28 ટકા વધ્યુ છે.
બેંગ્લુરૂ, દિલ્હી-એનસીઆર, અને મુંબઈનો કુલ લિઝિંગ એક્ટિવિટીમાં 91 ટકા હિસ્સો રહ્યો છે. જેએલએલના આંકડાઓ અનુસાર, એ ગ્રેડ ઓફિસ (પ્રિમિયમ)નો સ્ટોક માર્ચ ત્રિમાસિકમાં 732 મિલિયન ચોરસ ફૂટ, અન્ય ગ્રેડની ઓફિસનો સ્ટોક 370 મિલિયન ચોરસ ફૂટ સાથે કુલ 1.1 અબજ ચોરસ ફૂટ ઓફિસ સ્ટોકમાં રહી હતી.
કોવિડના પ્રતિબંધો હળવા થયા બાદ જનજીવન સામાન્ય બન્યુ છે. જેના લીધે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ બદલાતા ઓફિસ સ્પેસની માગ અનેકગણી વધી છે. પરંતુ ટૂંકસમયમાં માગ સ્થિર બનતાં આગામી સમયમાં તેમાં ઘટાડો થવાની ભીતિ છે. વૈશ્વિક મોંઘવારી, મંદીના દબાણો ઓફિસ માગ પર અસર કરશે. આઈટી કંપનીઓ ઓફશોર અને આઉટસોર્સમાંથી લાભ લઈ ડિજિટલ રોકાણમાં વધારો કરી શકે છે. ગુરૂગ્રામની રિયલ્ટી કંપની એઆઈપીએલ ગ્રુપના એક્ઝિક્યુટીવ ડીરેક્ટર પંકજ પાલે જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક ત્રિમાસિકથી ઓફિસ અને રિટેલ બંને સેગમેન્ટમાં મજબૂત માગ જોવા મળી છે.