વડોદરાની ફોનિક્સ સ્કૂલમાં આગ
3 પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાને લીધે દુર્ઘટના ટળી
તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા
વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલમાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસ રૂમમાં ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. તે સાથે ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે, એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ પાસે આવેલી ફોનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
બાળકો શાળામાં હાજર હતા અને આગ લાગતા જ નાસભાગ મચી હતી. પોતાની સ્કૂલ બેગ મૂકીને બાળકો શાળાની બહાર ભાગ્યા હતા. તે સાથે શિક્ષકો સહિતનો સ્ટાફ પણ સ્કૂલની બહાર દોડી આવ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
મકરપુરા GIDC ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર જરદીપસિહ ગઢવીએ જણાવ્યું હતું કે, આગના બનાવની જાણ થતાં સ્ટાફના 7 લાશ્કરો સાથે ગણતરીની મિનિટોમા પહોંચી ગયા હતાં. સ્કૂલમાં ત્રીજા માળે એમ.સી.બી.માં શોર્ટ સર્કિટથી આગ લાગતા ત્રીજા માળે ધુમાડો થઇ ગયો હતો. ફાયરના લાશ્કરો ફાયર સેફ્ટી ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્રીજા, ચોથા અને પાચમા માળે ફસાયેલા 450 ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલની ઇમરજન્સી વિન્ડો તેમજ મુખ્ય દરવાજાથી સિડીનો ઉપયોગ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા.
આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે, જરૂર પડે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ, તેની જરૂર પડી ન હતી. વિદ્યાર્થીઓના રેસ્કયૂ સાથે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
આજે સવારે સ્કૂલમાં આગની બનેલી ઘટનાની જાણ વાલીઓને થતાં હાફડા ફાફડા સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા અને પોતાના બાળકોને સહી સલામત જોતાં હાશકારો અનુભવ્યો હતો. તે સાથે સ્થાનિક લોકો પણ એકઠા થઇ ગયા હતા. સ્કૂલમાં આગ લાગતા જીઇબી ટીમ તેમજ પોલીસ પણ દોડી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા તમામ શાળાઓમાં ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે. તેમ છતાંય કેટલીક શાળાઓ બેદરકારી દાખવે છે. આવા કિસ્સામાં મોટી હોનારતને આમંત્રણ મળી જાય છે. આગની ઘટના બને તો શાળામાં ઇમરજન્સી એક્ઝિટ પણ હોવું જરૂરી છે.