ઇ-મેમો ના ભર્યો હોય તો અમદાવાદીઓ ચેતી જજો
છેલ્લા 6 મહિનામાં 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરાયા
30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ
ઇ-મેમો ના ભર્યો હોય તો ચેતી જજો. કારણ કે અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. 26 જૂને લોક અદાલત કાર્યક્રમમાં પણ ઇ-મેમો ભરી શકાશે. શહેરમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે QR કોડ અને ઓનલાઈન મારફત પેમેન્ટ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા હતા. જે અંતર્ગત રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’
બીજી બાજુ ઇ-મેમો નહીં ભરનાર સામે ગુજરાત હાઇકોર્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ લાલ આંખ કરી છે. ઇ-મેમો નહીં ભરનારને કોર્ટે નોટિસ ફટકારી હતી. એક જ દિવસમાં 10 હજાર લોકોને ગ્રામ્ય કોર્ટે નોટિસ ફટકારી હતી. 26 જૂનના રોજ લોક અદાલતમાં ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનારા સામે કોર્ટ કાર્યવાહી કરશે. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી 90 હજાર ઇ-મેમો ભરવાના બાકી છે.
આ સિવાય રાજકોટમાં પણ રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી છે. 26 જૂન સુધીમાં મેમો નહીં ભર્યો હોય તો કેસ લોક અદાલતમાં જશે. ત્યારે ACPની તાકીદ બાદ રાજકોટમાં ઈ-મેમો ભરવા લોકોની લાઈન લાગી રહી છે. લોક અદાલતમાં ફરિયાદની જાહેરાત બાદ લોકો ઇ-મેમો ભરવા પહોંચ્યા હતા. ટ્રાફિક ઓફિસે મેમો ભરવા લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. ટ્રાફિક શાખા દ્વારા મોબાઈલમાં મેસેજ પણ મોકલવાની શરૂઆત કરાઈ છે.’