દારૂના નશામાં યુવાન ચડ્યો 100 ફૂટ ઊંચા ટાવર પર
ટાવર પર ચડી યુવાન વંદે માતરમના નારા લગાવવા લાગ્યો
પોલીસ અને સ્થાનિકોએ મહામહેનત બાદ યુવાન નીચે ઉતર્યો
દારૂના નશામાં વ્યક્તિને અનેક વખત પોતે શું કરી રહ્યા હોય તેનું ભાન રહેતું નથી. દારૂના નશામાં ‘પરાક્રમ’ના તમે અનેક કિસ્સા સાંભળ્યા હશે. આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બન્યો છે. અહીં એક યુવાન દારૂના નશામાં મોબાઇલના ટાવર પર ચઢી ગયો હતો. એટલું જ નહીં, દારૂડિયાએ મોબાઇલ ટાવર પર ચઢીને ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવાનને હેમખેમ નીચે ઉતાર્યા બાદ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.
મળતી માહિતી પ્રમાણે નડિયાદ ખાતે આવેલા અમદાવાદી દરવાજા બહાર કબ્રસ્તાન ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. અહીં બી.એસ.એન.એલનો ટાવર આવેલો છે. આ ટાવર પર એક યુવાન ચઢી ગયો હતો. યુવાન દારૂના નશામાં હોવાનું માલુમ પડ્યું હતું. યુવાન ટાવર પર ચઢી ગયાની વાત જાણીને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
કબ્રસ્તાન પાસે આવેલા 150 ફૂટથી ઊંચા ટાવર પર દારૂના નશામાં યુવાન ચઢી જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. યુવાન છેક ટાવરની ટોંચ સુધી પહોંચી ગયો હતો અને ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. યુવકના આવા ડ્રામા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. તમામ લોકોએ યુવાનને નીચે ઉતારવા માટે સજાવ્યો હતો. જે બાદમાં અમુક સ્થાનિક યુવાનો પણ ટાવર પર ચઢ્યા હતા અને યુવાનને મહામહેનતે ટાવર પરથી નીચે ઉતરવા માટે સજાવ્યો હતો.
યુવાન ટાવર પર ચઢી ગયાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોએ યુવાનને નીચે ઉતાર્યાં બાદ પોલીસે યુવાનની અટકાયત કરી લીધી હતી. સદનસિબે તમામ લોકોની સમજાવટ બાદ યુવાન સમજી ગયો હતો અને નીચે ઉતરી ગયો હતો. યુવાનને બચાવવા ઉપર ચઢેલા અરુણ ભીલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મને માહિતી મળતા હું યુવાનને બચાવવા ઉપર ચઢ્યો હતો. યુવાન વંદે માતરમના નારા લગાવી રહ્યો હતો. યુવાન સ્થાનિક રહેવાશી છે.