અમરેલી જિલ્લામાં ગતરાતથી મેઘો મહેરબાન
અમરેલી જિલ્લો અડધા કલાકમાં પાણી પાણી
રાતથી અવિરત મેઘ મહેર, ધરતી પુત્રોના જીવમાં જીવ આવ્યો
અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે ખાંભા શહેરમાં અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા પાણી આવ્યું છે. ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જ્યારે મધરાતે પડેલા વરસાદના કારણે નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી, પરંતુ વહેલી સવારે પાણી ઓસરી ગયું છે. હજુ વરસાદ વધુ પડશે તો ફરી અહીં પુર આવે તેવી શકયતા વર્તાઇ રહી છે.
સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોને વાવણીમાં જીવનદાન મળ્યું છે. ખેડૂતોના પાક બળી જવાના આરે હતા, ધરતી પુત્રો વરસાદની કાગડોળે રાહ જોય રહ્યા હતા ત્યારે આ વરસાદના કારણે નવું જીવનદાન પાકને મળ્યું છે.
આ બાજુ રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છેય રાજુલાના દેવકા અને હડમતીયા સહિત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક નદીમાં પાણીનું પ્રથમ આગમન થયું હતું. જ્યારે રાજુલા પંથકમાં છુયા છવાયા વરસાદમાં જ વીજળી ગુલ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.