મહારાષ્ટ્ર રાજકીય સંકટનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
5 વર્ષ માટે ધારાસભ્ય પદ રદ્દ કરવાની સુપ્રીમમાં અરજી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટનો મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. વાસ્તવમાં, મધ્યપ્રદેશ કોંગ્રેસની નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને શિવસેનાના એવા બળવાખોર ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે કે જેના કારણે મહારાષ્ટ્રમાં સરકાર પડી ભાંગવાના દહાડા આવ્યા છે. જયા ઠાકુરે અરજીમાં એવી માંગ કરી છે કે શિવસેનાના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અથવા તો તેઓને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તેવાં ધારાસભ્યોને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જયા ઠાકુરે અરજીમાં આ પ્રકારના નિર્દેશ આપવાની માંગ કરી છે.
જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના કારણે અન્ય રાજકીય પક્ષો પણ આ સ્થિતિનું નુકસાન ઉઠાવી રહ્યાં છે અને આવાં ધારાસભ્યો આપણા દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારને નષ્ટ કરતા રહે છે, આથી આવા ધારાસભ્યો પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે.” જયા ઠાકુરે અરજીમાં કહ્યું કે, “પક્ષપલટો કરનારા ધારાસભ્યો અથવા રાજકીય પક્ષો આપણા દેશના લોકતાંત્રિક બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, આથી અમે કોર્ટના તાત્કાલિક નિર્દેશની માંગ કરીએ છીએ.”
જયા ઠાકુરે પોતાની પેન્ડિંગ પિટિશનમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેઓએ એવાં સાંસદો/ધારાસભ્યો કે જેઓ રાજીનામું આપે છે અથવા તો વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવે છે તેમની પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2021ના રોજ કેન્દ્ર અને અન્યને નોટિસ પાઠવી હતી. અરજદારના જણાવ્યા મુજબ, પ્રતિવાદી કેન્દ્ર અને અન્ય લોકોએ આજ સુધી કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરી નથી. અરજદારે કહ્યું કે, અમારે નોંધવું પડશે કે અસંમતિ અને પક્ષપલટા વચ્ચેની રેખા સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે, જેથી લોકતાંત્રિક મૂલ્યોને અન્ય બંધારણીય બાબતો સાથે સંતુલિત રાખવામાં આવે.
મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતરતા જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે હાલ ગુવાહાટીમાં હાજર છે. તો વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ કૃપાલેએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે, તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેઓએ કહ્યું કે, માત્ર 13 ધારાસભ્યોને છોડીને બાકીના 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે.