શિંદેએ શિવસેના પર દાવો કર્યો
વાતચીતની ઓફર બાદ ઉદ્ધવે સીએમ હાઉસ ખાલી કર્યું
વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી પહોચ્યા
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકારની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. શક્ય છે કે આજે ચિત્ર સ્પષ્ટ થાય, કારણ કે ભૂતકાળની ઘટનાઓએ મહારાષ્ટ્રના ભવિષ્યની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી નાખી છે. આ દરમિયાન 12 કલાકમાં વધુ 7 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા હતા, જેમાં શિવસેનાના ગુલાબરાવ પાટીલ, યોગેશ કદમનો સમાવેશ થાય છે. બાકીના બે ધારાસભ્ય મંજુલા ગાવીત અને ચંદ્રકાંત પાટીલ અપક્ષ છે.
કહેવામાં આવી રહ્યું છે કે સુરતથી વધુ બે ધારાસભ્ય ગુવાહાટી જવા રવાના થશે. આ સાથે એકનાથ શિંદેની તાકાત વધી રહી છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની કુલ સંખ્યા 41 પર પહોંચી ગઈ છે, બાકીના 7 અપક્ષ ધારાસભ્ય છે. હવે એકનાથને કુલ 48 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બુધવારે રાત્રે જ સીએમ હાઉસ ‘વર્ષા’ ખાલી કરીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માતોશ્રી પહોંચ્યા હતા. તેમણે આ પગલું ત્યારે ભર્યું જ્યારે એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે શિવસેના માટે ગઠબંધનમાંથી બહાર આવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આમાં પાર્ટી પોતે નબળી પડી રહી છે અને એનસીપી-કોંગ્રેસ વધુ મજબૂત થઈ રહી છે.
સૂત્રોનું કહેવું છે કે, એનસીપી અને કોંગ્રેસે કહ્યું છે કે, એકનાથ શિંદેને જો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી. જોકે, નિર્ણય ઉદ્ધવ ઠાકરેને કરવાનો છે. એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ગુવાહાટી ગયેલા શિવસેનાના કેટલાક ધારાસભ્યો પરત આવવા તૈયાર છે. તેઓ NCP, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓના સંપર્કમાં છે.
ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક 11 વાગ્યે બોલાવી છે. સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેના વલણ સામે NCP નારાજ છે. ઉદ્ધવે સરકારી આવાસ છોડતા NCP નારાજ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવસેનાના મોટા નેતાની સમગ્ર મામલામાં સંડોવણીની NCPને આશંકા છે.