DHFLના વાધવાન બંધુઓ સામે 34,615 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ
ભારતના ઈતિહાસનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ
કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સહિત કુલ 17 સામે કેસ દાખલ
ભારતના એનબીએફસી સેક્ટર અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરને હચમચાવી નાખનાર DHFL સ્કેમમાં પ્રમોટર વાધવાન બંધુઓ સામે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર કેન્દ્રિય તપાસ એજન્સીએ કપિલ અને ધીરજ વાધવાન સામે રૂ. 34, 615 કરોડની છેતરપિંડીનો કેસ દાખાલ કર્યો છે. આ સાથે સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ ઈતિહાસનો સૌથી મોટો ફ્રોડ કેસ છે. આ અગાઉ એબીપી શિપયાર્ડનો રૂ. 22,842 કરોડનો ફ્રોડ કેસ ભારતના ઈતિહાસનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ એનબીએફસી કંપની ડીએચએફએલના પ્રમોટર બંધુ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સહિત કુલ 17 સામે આ બેંક ફ્રોડનો કેસ કર્યો છે.
સીબીઆઈએ યુનિયન બેંકની ફરિયાદને આધારે આ કેસ નોંધ્યો છે. અગાઉ સરકારી બેંક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અનુસાર રૂ.40,623 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ)ના પૂર્વ પ્રમોટરો અને મેનેજમેન્ટની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને પત્ર લખ્યો હતો. પોતાની ફરિયાદમાં યુનિયન બેન્કની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ દ્વારા નિમણૂંક ઓડિટ ફર્મ કેપીએમજીના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે કે, “બેલેન્સીટમાં છેડછાડ, માહિતી છુપાવવી, અઘોષિત બેંક એકાઉન્ટ્સ અને ખોટી રજૂઆત નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન થયુ છે.”
KPMGના વિશેષ ઓડિટ રિપોર્ટમાં DHFL પ્રમોટરને સમાનતા ધરાવતી 35 સંસ્થાઓને કુલ રૂ.19,754 કરોડની લોન અને ધિરાણનું વિતરણ કરાયુ છે. ઓડિટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે 169 એન્ટિટીએ કરેલુ રૂ. 5,476 કરોડનું રિપેમેન્ટ ડીએચએફએલના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં શોધી શકાયુ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે DHFLના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવન હાલમાં યસ બેંકના સહસ્થાપક રાણા કપૂર સાથે મળીને યસ બેંક સાથે થયેલી કથિત છેતરપિંડી માટે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસોના સંબંધમાં જેલમાં છે. સપ્ટેમ્બરમાં પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ (PCHF)એ રોકડ અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ઈશ્યુ કરીને DHFLનું રૂ. 34,250 કરોડમાં હસ્તાંતરણ પૂર્ણ કર્યું હતું.