ગુજરાતમાં વરસાદને લઇનેહવામાન વિભાગની આગાહી
24થી 26 જૂનના રોજદક્ષિણ ગુજરાતમાં વરસશે ભારે વરસાદ
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે.’ બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું.
આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જો કે, અમદાવાદમાં હજુ વરસાદની રાહ જોવી પડશે. 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 42 મિમી અને વિરમગામમાં 23 મિમીથી વધુ વરસાદ વરસ્યો. મહત્વનું છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે.
સાબરકાંઠાના વિજયનગરમાં આજે વરસાદ વરસ્યો. વિજયનગરના બાલેટા, કોડિયાવાડા અને ચિઠોડામાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. રાત્રિ દરમિયાન દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજસ્થાન-વિજયનગરમાં સારા વરસાદથી અરવલ્લી ભિલોડાની હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. હાથમતી નદી બે કાંઠે વહેતી થઇ ગઇ છે. છેક ચુનાખણ અને ઉબસલ સુધી નદીના નીર પહોંચ્યા છે. ભિલોડા મામલતદારે પણ તંત્રને સાવચેત રહેવા સૂચના આપી છે. નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે.
બીજી બાજુ સુરતના ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ વરસતા ઉમરપાડાની બજારોમાં પાણી વહેતા થઇ ગયા છે. ઉમરપાડામાં ચોમાસાના પહેલા વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. દર વર્ષે ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસે છે પરંતુ આ વર્ષે ઉમરપાડામાં મેઘરાજાની મોડી પધરામણી થઈ છે. આથી, વરસાદ વરસતાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.