CM ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી
એકનાથ શિંદે 40 બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટી પહોંચ્યા
બળવાથી સંકટમાં આવી છે ઉદ્ધવ સરકાર
ગઇલકાલે મહારાષ્ટ્ર શિવસેનાના 40 જેટલા ધારાસભ્યોએ સુરતમાં આવી ગયા હતા જે બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે હવે સુરતથી શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યો સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી પહોંચી ગયા છે. દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તમામ ધારાસભ્યોને લઈ જવા માટે એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી છે. ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલ રેડિસનમાં લઈ જવાય એવી શક્યતા છે. રસપ્રદ છે કે ગુવાહાટી એરપોર્ટની બહાર ભાજપાના પદાધિકારીઓ શિવસેનાના ધારાસભ્યોને રિસીવ કરવા માટે પહોંચ્યા છે.
શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 34 જેટલા ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. શિવસેનાથી નારાજ કુલ 40 જેટલા ધારાસભ્ય સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા હતા. રાત્રે 2 વાગ્યા બાદ ત્રણ બસમાં ધારાસભ્યોને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા.
ત્રણ બસ લા મેરિડિયન હોટલ ખાતે પહોંચી હતી. ગણેશ, મા કૃપા અને નીતા નામની બસ હોટલ કેમ્પસમાં ગઈ હતી અને તમામ ધારાસભ્યોને બસમાં બેસાડવામાં આવ્યા હતા. હોટલની અંદરથી બસમાં તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને આસામના ગુવાહાટી ખાતે ખાસ વિમાન મારફત રવાના કરવામાં આવ્યા છે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે શિવસેનાના બે નેતા દ્વારા મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બળવાખોર ધારાસભ્યોએ બે માગ મૂકી હતી, જેમાં મહારાષ્ટ્રની જે આઘાડી ગઠબંધનની સરકાર છે એ છૂટી પાડવામાં આવે અને ભાજપ સાથે સરકાર બનાવવામાં આવે. આ સાથે જ વિવિધ મંડળના શિવસેનાના તેઓ લીડર હતા એ પદેથી દૂર કરાયા હતા. ફરીથી જ તેમને આપવામાં આવે એવી માગ કરવામાં આવી છે. ત્યારે આ બાજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે.