ભારત-દક્ષિણ આફ્રિકા ટી-20 શ્રેણીમાં કેપ્ટન રહેલ ઋષભ પંત વિષે રાહુલ દ્રવિડે આપ્યું નિવેદન
બે મેચ હાર્યા બાદ વાપસી કરવી એ મોટી વાત છે: રાહુલ દ્રવિડ
તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ કરી અને શરૂઆતના મેચ હાર્યા હતા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીમાં કેપ્ટન ઋષભ પંત ખૂબ ચર્ચામાં રહ્યો હતો. સમગ્ર શ્રેણી દરમિયાન, પંતને કેપ્ટનશિપ અને બેટિંગ બંને માટે ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે, આ શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને શ્રેણી બે-બેથી બરાબર થઈ હતી. આ પછી ટીમના કોચ રાહુલ દ્રવિડે પંતનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે પંત પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને પ્રથમ બે મેચ હાર્યા બાદ વાપસી કરવી મોટી વાત છે.દ્રવિડે એમ પણ કહ્યું કે પંત યુવા કેપ્ટન છે અને તે હજુ શીખી રહ્યો છે. સમય સાથે પંત પરિપક્વ થશે. અત્યારે કેપ્ટન તરીકે તેની ક્ષમતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
ભારતનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં રમી રહ્યો ન હતો અને તેના સ્થાને લોકેશ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી હતી. જોકે, સીરીઝની શરૂઆત પહેલા જ કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તે આખી સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી કેપ્ટનશિપની જવાબદારી પંતના ખભા પર આવી ગઈ. ટીમ ઈન્ડિયાને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને પંતની કેપ્ટનશિપની ઘણી ટીકા થઈ હતી. આ પછી ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને બાકીની બે મેચ જીતીને શ્રેણી બે-બેથી બરાબર કરી લીધી. જો કે, પાંચમી મેચ થઈ શકી ન હતી અને શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
ટીમના કોચ રાહુલ દ્રવિડે પાંચમી મેચ બાદ કહ્યું કે, “પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમને બે મેચ જીતવાની તક આપવી અને સિરીઝને બે-બેની બરાબરી પર લાવવી એ સારું હતું. કેપ્ટનશીપ જીતવા કે હારવાની નથી. “તે યુવા કેપ્ટન છે અને શીખી રહ્યો છે. અત્યારે તેમના પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે અને તમે શ્રેણી પછી તે કરવા માંગતા નથી. તેને વિકેટકીપિંગ, કેપ્ટન્સી અને બેટિંગ કરવાની તક મળી. આ એક સારી વાત છે. તેના પર ભારે ભાર છે, પરંતુ તે તેમાંથી શીખી રહ્યો છે. તેને ટીમને 0-2 થી 2-2 સુધી લઈ જવાનો શ્રેય આપવો જોઈએ.”