ભારતમાં થયેલ 7.8 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચાશે?
વૈશ્વિક સ્તરે સર્જાયેલ અફરાતફરીની ભારતમાં અસર
દેશમાંથી જીડીપીના 3.2 ટકા પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પાછું ખેંચાઈ શકે છે
વૈશ્વિક સ્તરે સર્જાયેલી અફરાતફરી વચ્ચે ભારતમાંથી આ વર્ષે 100 અબજ ડોલર (રૂ. 7.8 લાખ કરોડ)નું રોકાણ પાછું ખેંચાવાની શક્યતા છે. આરબીઆઈના તાજેતરના બુલેટિન કેપિટલ ફ્લો એટ રિસ્ક: ઈન્ડિયાઝ એક્સપિરિયન્સમાં વર્તમાન ક્રાઈસિસના કારણે દેશમાંથી જીડીપીના 3.2 ટકા પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પાછું ખેંચાઈ શકે છે.
વધુમાં પરિસ્થિતિ વણસી તો વેચવાલીનું પ્રમાણ જીડીપીના 7.7 ટકા થવાની ભીતિ છે. બજારની અસ્થિરતાના આવા સંભવિત હુમલાઓનો સામનો કરવા માટે લિક્વિડિટી રિઝર્વ્સ જાળવવાની જરૂરિયાત છે. 1990ના દાયકાથી ઉભરતા બજારની કટોકટી અને વૈશ્વિક નાણાકીય કટોકટી અને તેના પછીના અનુભવો સાથે, નાણાકીય નબળાઈઓ પર ભાર, મેક્રોઇકોનોમિક અસ્થિરતામાં વધારો અને કોરોના મહામારીની અસરો મૂડી પ્રવાહ પર અસર કરે છે. ભારત માટે રોકાણ પ્રવાહ વૈશ્વિક સ્તરે વધતાં રિસ્ક સેન્ટિમેન્ટમાં પરિવર્તન માટે સૌથી વધુ સંવેદનશીલ છે.
વર્તમાન પરિસ્થિતિની ઓછામાં ઓછી નિર્ધારિત અસરો થાય તો પણ પોર્ટફોલિયો આઉટફ્લો જીડીપીના 2.6 થી 3.6 ટકાની રેન્જમાં હોઈ શકે છે, જે સરેરાશ જીડીપીના 3.2 ટકા અર્થાત રૂ. 7.8 લાખ કરોડ (100 અબજ ડોલર) રહેવાની વકી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક દરમાં વધારો, ફુગાવો અને ઇક્વિટીના ઊંચા મૂલ્યાંકન સાથે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારથી અંતર જાળવી રહ્યાં છે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રા, હરેન્દ્ર બેહેરા અને સિલુ સાથે લખાયેલા લેખમાં જણાવાયું છે કે, મૂડી પ્રવાહ જોખમના અભિગમ પર આધારિત હોય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સંભવિત પોર્ટફોલિયો આઉટફ્લો જીડીપીના સરેરાશ 3.2 ટકા સુધી પહોંચી શકે છે.